Monday - May 04, 2026

મોરબીના રામચોક પાસેના વિસ્તારોમાં દુર્ગંધ મારતું પાણી વિતરણ થતા જનઆરોગ્ય ઉપર જોખમ

મોરબીના રામચોક પાસેના વિસ્તારોમાં દુર્ગંધ મારતું પાણી વિતરણ થતા જનઆરોગ્ય ઉપર જોખમ

મોરબીના રામચોક પાસે આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર જેવું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હોવાથી જનઆરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવતું હોવા છતાં મહાનગરપાલિકા દાદ ન દેતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને મહાનગરપાલિકા લોકોના આરોગ્ય ખાતર શુદ્ધ પાણી વિતરણ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

મોરબીના રામચોક પાસે આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી એકદમ ગટર જેવું દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગટર જેવા દૂષિત પાણીના વિતરણથી લોકોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. દૂષિત પાણી વિતરણની સમસ્યા અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સાવસર પ્લોટ વિસ્તારમાં રહેણાંક અને કોમોશયલ કોમ્પલેક્ષ આવેલા છે. જેમાં હમણાંથી એકદમ દુર્ગંધ મારતું પાણી આવે છે. આ પાણી પીવામાં તો ઠીક ન્હાવા-ધોવામાં પણ ઉપયોગમાં લઇ શકાય એમ નથી. પાણી એકદમ ખરાબ આવે છે. સતત ખરાબ વાસ મારે છે. આવું જન આરોગ્ય માટે ખતરનાક પાણી આવતું હોવા છતાં મનપાએ કોઇ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેથી જન આરોગ્ય વધુ ખતરારૂપ ન બને તે માટે સાવચેતીરૂપે શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.