ચાર સોસાયટીના રહીશોએ ધરણા કરી બિલ્ડરે દસ્તાવેજ કરવામાં ઠગાઈ કરીને પાયાની સુવિધા પણ ન આપતા ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો હૈયાવરાળ ઠાલવી
મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર બિલ્ડરોએ 4 સોસાયટીઓ બનાવ્યા બાદ ઘણા સમયથી અગત્યની રોડ, ગટર, પાણી, લાઈટ સહિતની મૂળભૂત સુવિધા ન આપતા હોવાથી થોડા સમય અગાઉ રહીશોએ બિલ્ડરો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતા અંતે ચારેય સોસાયટીની રહીશોની સહન શક્તિનો અંત આવી ગયો હતો અને રોષે ભરાયેલા ચારેય સોસાયટીઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ મામલે રહીશોએ ધરણા પ્રદર્શન કરી તેમની સોસાયટીઓમાં પાયાની સુવિધાઓ તાત્કાલિક આપવા માટે યોગ્ય કાર્યવાહી કરવા કલેકટર સમક્ષ માંગ ઉઠાવી છે.
મોરબીના પીપળી રોડ ઉપર માનસધામ-1, માનસધામ-2, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી આવેલ છે. જેમાં માનસધામ 1 અને 2 સોસાયટીમાં 150 મકાન, ત્રિલોલધામ સોસાયટીમાં 100 જેટલા મકાન અને ગોકુલધામમાં 43 સહિત 400 જેટલા મકાન છે. આ સોસાયટીઓમાં લાઈટ, પાણી, રોડ, ગટર જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ વિસ્તારના રહેવાસીઓએ આજે કલેક્ટર કચેરીએ ધરણા શરૂ કર્યા છે.
માનસધામ સોસાયટી -1ના વિનોદભાઈ પરમારે જણાવ્યું કે અમે છેલ્લા 5થી 7 વર્ષથી રહીએ છીએ. આ સોસાયટીઓમાં સરકારના નિયન મુજબ સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી. એક તરફી દસ્તાવેજ કરી બીલ્ડર અને એમના વકીલ દ્વારા છેતરપીંડી કરવમાં આવી છે. સ્ટ્રીટ લાઈટ, પાણી, ગટર કે રોડની સુવિધા નથી. તંત્રને અનેકવાર રજુઆત કરી છે. સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. તેઓએ પણ કોઈ કાર્યવાહી કરી નથી. પછાત વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે.અમે વેરો ભરવા તૈયાર છીએ. દસ્તાવેજમાં મકાન બતાવેલ છે. તેઓ અમને એમ કહે છે કે અમે તમને પ્લોટ વેચ્યા છે. પણ અમે તો મકાન ખરીદ્યા છે.
પાર્થ કોરડીયાએ જણાવ્યું કે તેઓ જૂની પીપળીની સામે ગોકુલધામ સોસાયટીમાં રહે છે. કોઈ પણ રોડ રસ્તાની સુવિધા નથી.બિલ્ડરને વારંવાર રજુઆત કરી છે. બિલ્ડરએ એવું કીધું જે કરવું હોય તે કરી લ્યો. મારી પાસે પૈસા છે. હું લડી લઈશ. 12 વર્ષથી સોસાયટી બનાવેલી છે. છતાં રોડ નથી. મોટી ઉંમરના લોકો ચાલી શકે તેમ નથી. મકાન લેતી વખતે ખબર નહોતી તેવો બિલ્ડર જવાબ આવે છે. ઉપરથી દાદાગીરી કરે છે. પ્લોટના દસ્તાવેજ સાથે મકાન આપી દીધા છે. પુરા ડોક્યુમેન્ટ પણ આપ્યા નથી. તેને છેતરપીંડી કરી છે. રોડ-રસ્તા સહિતની સુવિધા અમને મળે તેવી માંગ છે.
ત્રિલોકધામ સોસાયટીના અનુબેને જણાવ્યું કે અમે મકાન લીધા છે. અમારે પુરા ડોક્યુમેન્ટ જોઈએ છે. આ સોસાયટીમાં કોઈ સુવિધા નથી. ચોમાસામાં ગોઠણ સુધીના પાણી ભરાય છે. ત્રિલોકધામ સોસાયટીના પ્રભાબેને જણાવ્યું કે અમારી સોસાયટીમાં ગરીબ વર્ગ રહે છે. કોઈ અહીં સુવિધા નથી. પાણી, ગટર, રોડની કોઈ વ્યવસ્થા નથી. મકાન લીધા ત્યારથી હેરાન થઈ ગયા છીએ.