Monday - Sep 16, 2024

રાજકોટ અગ્નિકાંડ : મોરબી જિલ્લો શોકમગ્ન, ઠેરઠેર શ્રદ્ધાંજલિ અર્પણ

રાજકોટ અગ્નિકાંડ : મોરબી જિલ્લો શોકમગ્ન, ઠેરઠેર શ્રદ્ધાંજલિ અર્પણ

 મોરબીમાં ઝૂલતાપુલ દુર્ઘટના જેવી જ ગંભીર અને આત્યંતિક કરુણ કહી શકાય તેવી રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. આ બંને દુર્ઘટનાઓમાં પીડિતોની એક જ માંગ છે.કે, વગદાર આરોપીઓ કોઈ કાળે છટકી જવા જોઈએ નહીં, સ્વજનોની ખોટ જિંદગીભર ભૂલી શકાય એવી ન હોય એટલે એ સરકાર અને તંત્ર રૂપિયાની સહાય આપીને કાર્યવાહી કર્યાનો સંતોષ માને એ યોગ્ય ન હોય મોરબીની ઝૂલતાપુલ દુર્ઘટના અને રાજકોટની અગ્નિકાંડની દુર્ઘટનામાં જવાબદાર ગમે તેટલા પાવરફુલ વ્યક્તિઓ હોય પણ સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી કરીને કડક સજા સાથે યોગ્ય ન્યાય અપાવશે તો પીડિતોના મન હ્ર્દયમાં લાગેલા જખ્મો રૂજાશે.
 

રાજકોટ અગ્નિકાંડ : મોરબી જિલ્લો શોકમગ્ન, ઠેરઠેર શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીના વકીલ મંડળ દ્વારા રાજકોટની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકીલ મંડળના પ્રમુખ દિલીપ અંગેચણીયાએ જણાવ્યું હતું કે,આ દુર્ઘટનાના કસૂરવારોને કોઈ કાળે માફ કરો ન શકાય. મૃતકોના પરિવાર ઉપર શુ વીતી હશે એ વિચારીને હ્ર્દય દ્રવી ઉઠે છે. એટલે રાજકોટની અને મોરબીની દુર્ઘટનામાં અમે બધા વકીલો હતભાગી પરિવારોની પડખે છીએ અને જ્યાં મદદની જરૂર પડે ત્યાં અમે ખડેપગે રહેશું. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ નહેરુ ગેઇટથી જે ઝૂલતાપુલની દુર્ઘટના બની હોય ત્યાં સુધી પદયાત્રા કરી કેન્ડલ માર્ચ યોજી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આમ આદમી પાર્ટીએ પણ રાજકોટની દુર્ઘટનાના દિવગંતો બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીમાં પ્રેમ પરિવાર અને રોયલ પેલેસ ફ્લેટ ધારકો દ્વારા આજે રાત્રે મોરબીના વસંત પ્લોટમાં આવેલા રોયલ પેલેસ ખાતે નવકાર મહામંત્ર જાપ અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી પ્રાર્થના કરવામાં આવી હતી. વાંકાનેર શહેરમાં સ્વ. હંસગીરી જીવણગીરી ગોસ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ-  દ્વારા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.  મોરબીના મીરા પાર્કની સામે વાવડી રોડ પર આવેલી રાધા પાર્ક સોસાયટીમાં આવેલા ચૈતન્ય હનુમાનજીના મંદિરે રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.