Saturday - Aug 22, 2026

મોરબીમાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની કાર્યવાહી યથાવત, વધુ 14 જુગારી ઝડપાયા

મોરબીમાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની કાર્યવાહી યથાવત, વધુ 14 જુગારી ઝડપાયા

યોગીનગર, ઈન્દીરાનગર અને વીસીપરામાં ત્રણ અલગ-અલગ દરોડા : રૂ.15,280નો મુદ્દામાલ કબ્જે

મોરબી : શ્રાવણ માસ દરમિયાન જાહેરમાં ચાલતા જુગાર ઉપર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી યથાવત રાખી છે. પોલીસ ટીમે શહેરના યોગીનગર પાછળ મફતીયાપરા, ઈન્દીરાનગર તથા વીસીપરા વિસ્તારમાં ત્રણ અલગ-અલગ દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા કુલ 14 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂ.15,280 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડામાં યોગીનગર પાછળ મફતીયાપરા વિસ્તારમાંથી સુરેશભાઈ દેવકણભાઈ બારૈયા, મુનેશભાઈ લાખાભાઈ સુરેલા, સંજયભાઈ મનુભાઈ સનુરા, રવિભાઈ હરેશભાઈ દેગામા અને આનંદભાઈ અશોકભાઈ સીતાપરાને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.6,280 રોકડા મળી આવ્યા હતા.

બીજા દરોડામાં ઈન્દીરાનગર નાળા સામેની શેરીમાંથી પ્રવિણભાઈ મનુભાઈ વરાણીયા, રવિભાઈ બાબુભાઈ હમીરપરા, સલીમભાઈ ઉમરભાઈ કટીયા, પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ગોરધનભાઈ કેરવાડીયા અને રવિભાઈ નાથાભાઈ મજેઠીયાને ઝડપી લેવાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.6,400 રોકડા કબ્જે કર્યા હતા.

જ્યારે ત્રીજા દરોડામાં વીસીપરા સ્મશાન રોડ પર રમેશ કોટન મીલની ચાલી પાસેથી આમદભાઈ કરીમભાઈ કટીયા, અહેમદભાઈ અલારખાભાઈ હીંગરોજા, અસ્લમભાઈ કરીમભાઈ કટીયા અને રહીમભાઈ હસનભાઈ સુમરાને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.2,600 રોકડા મળી આવ્યા હતા.

આમ, બી ડિવિઝન પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી કુલ 14 જુગારીઓને ઝડપી લઈ રૂ.15,280નો રોકડ મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.