મોરબી : મોરબીના ગેસ્ટહાઉસ રોડ ઉપર આવેલા ગાંધીબાગમાં વાહનોની ચોરી થતી હોય તેમજ અમુક લોકો જાહેરમાં અહીં લઘુશકા કરીને ગંદકી ફેલાવતા હોવાથી ગાંધીબાગની ગરિમા જળવાતી ન હોય આ કૃત્ય અટકાવવા માટે ગાંધીબાગમાં કાયમી ધોરણે લાઈટો તેમજ સીસીટીવી કેમેરા મુકવાની માંગ સાથે સામાજિક કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવડીયા ગીરીશભાઈ કોટેચાએ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબીના ગેસ્ટહાઉસ રોડ ઉપર આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ સામેનો ગાંધીબાગ વર્ષો પહેલા જાજરમાન હતો. પણ સમય જતાં કાળક્રમે ખંડેર બની ગયો છે. એટલે ગાંધીબાગનો ભૂતકાળ ભવ્ય અને વર્તમાન ખંડિત છે. આથી જે તે સમયે નગરપાલિકા દ્વારા આ બાગને પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. હવે છેલ્લા કેટલાય વર્ષોથી આ બાગ ઉજ્જડ હોય માત્ર વાહનો જ પાર્ક થાય છે. મોટાભાગના લોકો આ બાગનો વાહન પાર્ક માટે જ ઉપયોગ કરે છે. આસપાસના વેપારીઓ, બહારગામથી બેન્ક કે પોસ્ટ ઓફીસ અથવા ખરીદી માટે આવતા લોકો આ બાગમાં વાહનો પાર્ક કરતા હોવાથી ચોરીના બનાવો વધી રહ્યા છે. કેટલાક લુખ્ખા તત્વો ખાસ કરીને ટુ વહીલર બાઇકોને નિશાન બનાવે છે અને બાઇકના લોક તોડી ઉઠાંતરી કરી જાય છે. ગાંધીબાગમાં રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા હોવા છતાં તેમની ગરિમા જળવાતી નથી. કેટલાક લોકોએ આ સ્થળને યુરિનલ બનાવી દીધું હોય એમ જાહેરમાં અહીં લઘુશંકા કરીને ગંદકી ફેલાવે છે. તેમજ ગાંધીબાગ પવિત્ર સ્થળ હોય ત્યાં લાઈટોના અભાવે અંધકાર છવાયેલો રહે છે.આથી આવી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાયમી ધોરણે સ્ટ્રીટ લાઈટો અને સીસીટીવી કેમેરા મુકવાની માંગ ઉઠાવી છે.