મોરબી : મોરબીમાં લાંબા સમયથી રઝળતા પશુઓના ત્રાસ વચ્ચે મનપા છેલ્લા પાંચ માસથી પશુઓ પકડવાની કામગીરી કરી રહ્યાનું અને અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ 1350 જેટલા પશુઓ પકડયાનો દાવો કર્યો હતો. પણ જે રીતે દરેક માર્ગો, શેરી, ગલીમાં પશુઓ રખડીને લોકોને હેરાન કરી રહ્યા છે તે જોતા અધિકારીનો આ દાવો ખોખલો સાબિત થાય છે. તેમાંય આજે તો એનાથી પણ વધુ રઝળતા ઢોરનો બેહદ ત્રાસ શહેરના પોશ વિસ્તાર અવની ચોકડી કેનાલ રોડ ઉપર જોવા મળ્યો હતો. અવની ચોકડી ઉપર હજારો વાહનોની અવરજવર અને અનેક વાહનોના પાર્કિગ વચ્ચે બે ખુટિયાઓ અચાનક યુદ્ધે ચડ્યા હતા અને બન્ને ખુટિયાઓએ આ રોડને રણ મેદાન બનાવી દેતા ભાગાભાગી થઈ પડી હતી. બન્ને ખુટિયાઓ વચ્ચે જાણે કાંટે કી ટક્કર જામતા ત્યાં પાર્કિગ થયેલા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ આ ખુટિયાઓએ ત્યાંથી કેટલાક રાહદારીઓ અને વાહનચાલકોને પણ ઢીકે ચડાવ્યા હતા. પણ રામ રાખે ની જેમ સદનસીબે કોઈને સહેજ પણ ઇજા થઇ ન હતી. એક જાગૃત નાગરિકે આ ખુટિયાના આંતકનો વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કરી સોશ્યલ મીડિયામાં વહેતો કરીને મનપાના અધિકારીઓ એસી ચેમ્બર છોડી ખોટા દાવા કરવાને બદલે પ્રજાના સેવક તરીકે પોતાની જવાબદારી નિભાવવા ફિલ્ડમાં ઉતરી રખડતા ઢોરને પકડીને શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે.
ફોટા : રવિ બરાસરા