મોરબી : આજે તવંગર હોય કે સામાન્ય દરેક પરિવાર દેખાદેખીમાં લગ્ન પ્રસંગોમાં લખલૂટ ખર્ચા કરે છે. ત્યારે મોરબીના પાટીદાર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા બચાવવા આવકારદાયી પહેલ કરી છે. મોરબીમાં પાટિદાર સમાજના મોભીઓએ ઉમા આદર્શ લગ્નનો વિચાર અમલમાં મૂકાતા આ ઉમા આદર્શ લગ્નને પાટીદાર સમાજે વધાવી લીધો હતો અને પાટીદાર સમાજે લાખો રૂપિયાની બચત કરી છે.
લગ્નમાં પ્રિ-વેડિંગ, સામૈયા, વરઘોડા, મોંઘીદાટ ભોજનની ડીશ, ફટાકડા ફોડવા વગેરેમાં મોટો ખર્ચ થઈ જતો હોય છે. આવી અનેક સમસ્યાઓ, દુષણનો ઈલાજ મોરબીના પાટીદાર મોભીઓ બેચરભાઈ હોથી, ત્રંબકભાઈ ફેફર અને એ.કે.પટેલે તેમજ સમાજના અન્ય લોકોએ શોધી કાઢ્યો છે અને ઉમા આદર્શ લગ્નની શરૂઆત કરી છે. આમેય પાટીદાર પરિવારમાં સમયે સમયે જરૂરિયાત મુજબ લગ્ન વ્યવસ્થા સમય અને સમાજની માંગ મુજબ ફેરફાર થતા રહ્યા છે. જેમકે સમૂહ લગ્ન, ઘડિયા લગ્ન અને હવે ઉમા આદર્શ લગ્ન. જેમાં લજાઈ પાસે ઉમા સંસ્કારધામનું ભવ્ય અને દિવ્ય ધામ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉમા સંસ્કારધામમાં ઉમા આદર્શ લગ્ન માટે બે મેરેજ હોલ અને રસોડાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં વર અને કન્યા બંને પક્ષ તરફથી 111 લોકો એટલે કુલ 222 લોકોના જમણવારની વ્યવસ્થા, કન્યા માટે તમામ પ્રકારની ઘર વખરી સાથે કરિયાવર, બ્રહ્મદેવની વ્યવસ્થા, લગ્નવિધિ માટે જરૂરી પૂજાપાની વ્યવસ્થા, આ બધું જ તદ્દન મફતમાં પૂરું પાડવામાં આવે છે. વર અને કન્યા પક્ષ તરફથી માત્ર ટોકન રૂપે 5100/- રૂપિયા લેવામાં આવે છે.
આમ ઉમા આદર્શ લગ્નની આદર્શ વ્યવસ્થા હોવાથી પ્રથમ વર્ષે જ લોકો તરફથી જબરો પ્રતિસાદ પ્રાપ્ત થયો અને અત્યાર સુધી 230 લગ્ન નોંધાઈ ચુક્યા છે અને દરરોજ બે લગ્ન લેખે 175 જેટલા લગ્ન લેવાઈ ગયા છે. આમ આ ઉમા આદર્શ લગ્નની ઉત્તમ વ્યવસ્થા થકી પાટીદાર સમાજે લગ્નમાં થતા બિન જરૂરી ખર્ચમાંથી લાખો રૂપિયા બચાવી લીધા હોય, આમ ઉમા આદર્શ લગ્નને ચારેબાજુથી તમામ લોકો તરફથી, અન્ય સમાજના લોકો તરફથી ઉમા આદર્શ લગ્નના આયોજકો, કાર્યકર્તાઓ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપ પ્રમુખ ત્રંબકભાઈ ફેફર તેમજ ચેરમેન એ.કે.પટેલને અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે.