મોતનો આંકડો ખૂબ જ મોટો, મૃતદેહો બળી ગયેલા હોવાથી ડીએનએ ટેસ્ટથી ઓળખની તજવીજ હાથ ધરાઈ
મોરબી : આજે બપોરે દેશની સૌથી મોટી કારમી આઘાતજનક અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં મોટાભાગના મૃતદેહો ભડથું થઈ ગયા હોવાથી મોતનો આંકડો ખૂબ મોટો હોવાનો અંદાજ છે. પણ હજુ સુધી મોતના આંકડાની સતાવાર જાહેરાત કરાઈ નથી. મોટાભાગના મૃતદેહો બળીને ભડથું થઈ ગયા હોવાથી ડીએનએ સેમ્પલ વડે ઓળખ કરવાની તજવીજ હાલ ચાલી રહી છે.
અમદાવાદના મેઘાણીનગરમાં આજે બપોરના સમયે એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતા પ્લેને ઉડાન ભરી હતી. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયા બાદ 1.40 વાગ્યે પ્લેન ક્રેશની કારમી દુર્ઘટના સર્જાઈ હતી. એ સાથે અનેક મૃતદેહો સળગીને ભડથું થઈ ગયા હતા. સતાવાર ન્યુઝ એન્જસી પાસેથી મળતી આધારભૂત વિગતોમાં આ પ્લેનમાં કુલ 242 લોકો બેઠા હોય તેમાંથી 217 મુસાફરો પુખ્ત વયના અને 11 બાળકો તેમજ 2 નવજાત શિશુનો સમાવેશમાં થાય છે.આ કુલ મુસફરોમાં 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હોવાની માહિતી મળી હતી.
વધુમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્લેન સળગીને કાટમાળમાં ફેરવાયું હોવાથી તેમાં સવાર મોટાભાગના મુસાફરોના સળગીને કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. મૃતકો એટલી હદે બળી ગયા હતા કે તેમની ઓળખ મેળવવી મુશ્કેલ છે. એટલે હાલ ડીએનએની મદદથી મૃતકોની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જ્યારે ગુજરાત અને ભાજપ માટે સૌથી વધુ આચકાજનક સમાચાર એ આવ્યા છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા. તેઓ લડનમાં તેમની દીકરીને મળવા જતા હતા ત્યારે આ ફ્લાઇટમાં તેમનું નિધન થયાની હવે સતાવાર જાહેરાત થતા ગુજરાત અને ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. આ ઘટનાને પગલે સીએમ ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી સહિતના નેતાઓ ત્યાં દોડી ગયા હતા. હાલ હજુ પણ સ્થળ ઉપર રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફ મૃતદેહો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે.
મૃત્યુ પામેલાના સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. ૫૦ ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.મૃતકના નજીકના સગા ( માતા, પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.