કાચા-પાકા મકાનો બાંધીને રહેતા ગરીબ અને મજૂર વર્ગના પરિવારોએ રસ્તે રઝળવા મજબૂર બનવું પડશે તેવી હૈયાવરાળ ઠાલવી
મોરબી : મોરબી મનપાએ ફરી એકવાર દબાણના નામે ગરીબ મજદૂર પરિવારોને બેઘર કરવાનું ફરમાન જારી કરતા ગરીબ પરિવારોએ "હલકું લોહી હવાલદાર" નું હોય એમ માત્ર નાના લોકો સામે જ ડીમોલેશનની કાર્યવાહી થાય અને મોટા દબાણોને ઉની આંચ પણ આવતી ન હોવાનું કહીને તંત્રની કામગીરી પ્રત્યે સવાલ ઉઠાવી ભારે ફિટકારની લાગણી વરસાવી છે. જેમાં શહેરના પંચાસર રોડ પર આવેલ સાવરની પાળ ભારતપરા વિસ્તારમાં રહેતા કાચા-પાકા નાના એવા મકાનો બાંધીને રહેતા 250થી વધુ ગરીબ મજદૂર પરિવારોની પહેલથી આર્થિક હાલત નાજુક હોય ત્યારે હવે પડ્યા ઉપર પાટુની જેમ આ ગરીબ લોકોને કાચા પાકા ઝુંપડા પર મોરબી મહાનગરપાલિકા દ્વારા ડીમોલિશન કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી છે. આથી ડીમોલિશનની આખરી નોટિસથી 250થી વધુ લોકો બેઘર થવાના ભયથી ફફડી ઉઠ્યા છે. આથી સ્થાનિક રહીશોએ ડીમોલિશનની કાર્યવાહી અટકાવવા અને સમય આપવાની માંગ સાથે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે.
મકાન વેરો, લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ અને આધારકાર્ડ જેવા પુરાવા
પંચાસર રોડ પાસે કાચા-પાકા ઝૂંપડા બાંધીને રહેતા ગરીબ અને મજૂર વર્ગના પરિવારો પાસે કાયદેસર વીજ કનેક્શન અને નિયમિત મહાનગરપાલિકાને મકાન વેરો ભરે છે. ઉપરાંત ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ અને આધારકાર્ડ જેવા પુરાવા પણ હોવા છતાં મનપા દબાણના નામે આ ગરીબ લોકોને બેઘર કરે એ કર્યાનો ન્યાય ? તેવી હૈયાવરાળ ઠાલવી હતી. જો કે મનપાએ અગાઉ 20 ફેબ્રુઆરી અને 7 માર્ચના રોજ નોટિસ આપ્યા બાદ સ્થાનિકોએ આધાર-પુરાવા સાથે જવાબ પણ રજૂ 17 માર્ચના રોજ આખરી નોટિસ ફટકારી 24 માર્ચે 250 જેટલા કાચા પાકા દબાણો હટાવવનું ફરમાન જારી કર્યું છે. આથી તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા ઘરવિહોણા કરી શકાય એમ ન હોય પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય કોઈ આવાસ યોજના હેઠળ પહેલા વૈકલ્પિક મકાન ફાળવ્યા બાદ જ દબાણો હટાવવાની માંગ કરી છે.
"આશિયાનો છીનવાઈ જશે તો ક્યાં જશું"
સ્થાનિક રહીશ હાજીભાઈ અકબરભાઈ કોરડીયાએ કલેકટર સમક્ષ એવી વેદના વ્યક્ત કરી હતી કે, મચ્છુ જળ હોનારતની દુર્ઘટના પહેલા વર્ષોથી જ તેમના સહિત આશરે 250 થી વધુ લોકો રહેતા હોય હવે અમારા આ નાનકડા ગરીબખાનામાં અડધી જિંદગી વીતી ગઈ છે. અમે બધા લોકો રોજનું કમાઈને માંડ માંડ જીવનનો ગુજારો ચલાવીએ છીએ. આવા કપરા સંજોગો અમારા નાનકડા સ્વર્ગ જેવા એશિયાના છીનવાઈ જશે તો અમે ક્યાં જશું એની સતત ચિતાથી ઉંઘ હરામ થઈ ગઈ છે. અમારી પાસે એટલી બધી મૂડી પણ નથી કે ભાડાના મકાનમાં રહેવા જઈ શકીએ. તો નવા મકાન બનાવવાનો સવાલ જ રહેતો નથી.
ગંભીર બીમારીઓના દર્દીઓ અને પ્રસુતાઓને લઈને ક્યાં ભટકશું ?
એક મહિલા જીલુબેન મહેબૂબભાઈ માયકે જણાવ્યું હતું કે, આ પરિવારોમાં કેન્સર સહિતના ગંભીર બીમારીઓના દર્દીઓ અને પ્રસૂતા પણ હોય હવે તંત્ર તેમના મકાનો પાડી નાખશે તો વિસ્થાપીતો બીમારીવાળા દર્દીઓ અને પ્રસૂતાને લઈને રસ્તે રઝળવું પડે તો આવા લોકોના હાલત નાજુક થઈ જાય એમ છે. હાલ કાળઝાળ ગરમી ઉપરાંત મોસમનો ભરોસો નથી. હમણાં જ વાવઝોડું અને માવઠું થયું એમ હવે પછી આ રીતે મોસમ કરવટ બદલે તો અમારી ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિમાં ભારે કફોડી હાલત થઈ જશે.આથી સરકાર અને તંત્ર લોકોના હિત માટે જ હોય તો સંવેદના અને માનવતા ચૂકવી જોઈએ નહીં