એક લોકવાયકા મુજબ કળયુગમાં માતાજીઓ વધુ પૂજાશે એવું કહેવાયું હોય એમ એ બાબત અત્યારે સાર્થક થતી હોય એમ દેવ કરતા દેવી સ્થાનોમાં ભીડ વધારે હોય છે.તેમાંય મેલડી માતાજી સૌથી વધુ પૂજાય છે. એટલે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેલડી માતાજીના મંદિર વધુ હોય છે. આમ પણ શ્રદ્ધાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર રહેતી નથી મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર વર્ષોથી લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે અને તેની સાથે કેટલીક લોકવાયકાઓ પણ જોડાયેલી છે. પણ આ મંદિર હવે શ્રદ્ધાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું પણ તીર્થધામ બની ગયું છે. અહીંયા દર વર્ષે સર્વજ્ઞાતીય સમૂહલગ્ન અને આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે મદદરૂપ થાય છે.
મોરબી નજીકના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી
માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિર લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંયા મોરબી નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને બીજા જિલ્લાઓમાંથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા માટે આવતા હોય છે. તેવું પૂજારી હરિપ્રસાદ મહારાજે જણાવ્યું હતું. આ મંદિરની ખાસ વિશેષતા એ કહી શકાય કે દર વર્ષે નવરાત્રી દરમિયાન નવ દિવસ મંદિરના સંચાલકો દ્વારા નવરાત્રી મહોત્સવનું ગરબીનું આયોજન કરવામાં આવે છે અને એના થકી જે કોઈ પણ ભંડોળ એકત્રિત થાય તેનો ઉપયોગ કરીને નબળા ઘરની દીકરીઓના સમૂહ લગ્ન માટેનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેથી કરીને આ સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને અનેક લોકો છૂટા હાથે દાનની સરવાણી વેહરવતા હોય છે,ઘણા શ્રદ્ધાળુઓ પોતાની જુદી જુદી માનતાઓ અને બાધાઓ રાખતા હોય છે તે માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા ફળ સ્વરૂપે પૂર્ણ થતી હોય છે અને પૂર્ણ થયા બાદ લોકો ત્યાં માતાજીને તાવા પ્રસાદ ચડાવતા હોય છે અને તે તાવો પ્રસાદ લેવા માટે થઈને હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ખાસ કરીને પૂનમના દિવસે, રવિવારે અને મંગળવારે ત્યાં લોકોની વધુ ભીડ જોવા મળતી હોય છે અને માતાજીના દર્શન પૂજન અને ખાસ તાવા પ્રસાદ લઈને લોકો ધન્યતા અનુભવતા હોય છે.
હોનારતમાં કોઈપણ પ્રકારની નુકશાની થઈ નથી
એવું કહેવાય છે કે વર્ષ 1979 માં જ્યારે મોરબીમાં હોનારત આવ્યું હતું ત્યારે મોરબી આખું હતું નહોતું થઈ ગયું હતું અને ઘણા બધા લોકો તથા અબોલ જીવ આ હોનારતના કારણે પાણીમાં તણાઈ ગયા હતા લોકોના ઘર હતા ન હતા થઈ ગયા હતા પરંતુ મેલડી માતાજીનું આ મંદિર છે તેનાથી ઉપરના ભાગમાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની નુકસાની થઈ ન હતી તેથી કરીને ધક્કાવાળી મેલડી મંદિર ત્યાં હોવાના કારણે મચ્છુનો પ્રવાહ આગળ ન ગયો અને લોકો ને નુકસાન ન થયું તેવી પણ એક લોકોમાં અનેરી આસ્થાને શ્રદ્ધા છે.તેમ સેવક નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું.
મંદિરનું સંચાલન કરતાં સંચાલકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ મંદિર નાનું હતું તેમાંથી આજે જે ભવ્ય મંદિર બન્યું છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો લેવામાં આવ્યો નથી લોકો સામેથી પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે અહીંયા દાનપુન કરતા હોય છે અને તેનો જ ઉપયોગ કરીને અહીંયા આવતા ભક્તો માટે થઈને સુવિધામાં ક્રમશઃ વધારો કરતાં જઈએ છીએ અને દાન પેટીમાં જે આવક થાય છે તે રકમ મંદિર દ્વારા જે વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તેમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. સાથે જ અહીં કોઈ પણ પ્રકારના દોરા ધાગા કરવામાં આવતા નથી, તેવું સેવક ગણ મયુરભાઈ ડાંગર, મોનાલી જોશી, ઓમરાજ વાઢારાએ જણાવ્યું હતું.
મંદિર દ્વારા કરાતી સેવા પ્રવૃત્તિઓ
વર્તમાન સમયમાં નબળા પરિવારને મદદરૂપ થવાની ભાવના સાથે મંદિરના સંચાલકો દ્વારા જે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે છે તેના માટેનો કરિયાવર પણ આ મંદિરમાં એકત્રિત થયેલ જે ભંડોળ હોય છે તેના થકી જ આપવામાં આવતો હોય છે તેની સાથોસાથ નબળા પરિવારના બાળકોને અભ્યાસ કરવા માટે પુસ્તકો તેમજ અબોલ જીવને ચણ અને ચારાની વ્યવસ્થા પણ મંદિરમાં થતા ભંડોળમાંથી જ કરવામાં આવતી હોય છે અને આ સેવાકીય કામને ધ્યાનમાં રાખીને લોકો હર હંમેશ કોઈ પણ કામમાં પૂરતો સહકાર આપતા હોય છે. તેવું દર્શનાર્થી પૂજા ચૌહાણ અને રાધાબેનએ જણાવ્યું હતું.
મંદિરના નામ પાછળનો ઇતિહાસ રસપ્રદ
એક લોક વાયકા એવી પણ છે કે રજવાડાના સમયમાં મોરબીનું રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું અને નવલખી બંદર બાજુથી જે કોલસો અને મીઠું ભરીને ટ્રેન આગળ મોકલાવતા હતા તે પાડા પુલ ઉપરથી આગળ જઈ શકતી ન હતી જેથી કરીને પાડાપુલ ક્રોસ કરાવવા માટે થઈને મોરબીના રેલ્વે સ્ટેશનથી બીજું એન્જિન ટ્રેનમાં પાછળના ભાગે લગાવવું પડતું હતું ત્યારે તે પાડાપુલ ક્રોસ કરીને ત્યાર પછી ગાડી આગળ જઈ શકતી હતી અને આ ધક્કો જે ટ્રેનને મારવો પડતો હતો અને તેના કારણે આ મેલડી માતાજીના મંદિરનું નામ ધક્કાવાળી મેલડી મંદિર પડયુ છે તેવું પણ લોકોમાં લોકવાયકા મુજબ ચર્ચાઈ રહ્યું છે.