મોરબી : મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ સોસાયટી બનાવી લોકોને પાણી, ગટર, લાઈટ સહિતની સુવિધા આપવાના વાયદા કર્યા બાદ બિલ્ડરો આવા વાયદા પુરા કરતા ન હોવાથી ઘુંટુ, પીપળી અને મહેન્દ્રનગર જેવા વિસ્તારમાં મધ્યમવર્ગના અનેક પરિવારો હેરાન પરેશાન છે ત્યારે આવા જ એક કિસ્સામાં પીપળી ગામ નજીક માનસધામ સોસાયટી બનાવી પાંચ વર્ષ બાદ પણ સુવિધા નહી આપવામાં આવતા આઠ બિલ્ડર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર ઉ.44 નામના યુવાને માનસધામ સોસાયટી બનાવનાર આરોપી એવા બિલ્ડર મનીષભાઇ કાલરીયા, ચીંતનભાઇ ગામી, મીહીરસિંહ દીલીપસિંહ જાડેજા, રાજદીપ નીલેષભાઇ ગામી, જગદીશભાઇ એરવાડીયા, અંકીતભાઇ નેસડીયા રહે. મોરબી, પ્રવિણભાઇ ગામી રહે.મોરબી અને કીશોરભાઇ શેરશીયા વિરુદ્ધ પીપળી ગામે રેસીડેન્શીયલ સોસાયટી બનાવી ફરીયાદી તેમજ અલગ-અલગ સોસાયટી રહેતા રહીશો અને સાહેદોને લાઇટ, પાણી , ગટર પુરી પાડવાનુ વચન આપી વચન પૂરું નહિ કરી સુવિધા નહિ આપતા આઈપીસી કલમ 420 તેમજ 114 મુજબ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આઠેય બિલ્ડર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.