Saturday - Jul 04, 2026

મોરબીના નવા હાઉસિંગની 10 જર્જરિત ઇમારતને તોડી પાડવાનો આંદેશ

મોરબીના નવા હાઉસિંગની 10 જર્જરિત ઇમારતને તોડી પાડવાનો આંદેશ

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલા વર્ષો જુના હાઉસિંગ બોર્ડના અનેક બિલ્ડીંગ ખખડી ગયા હોય હવે એટલી હદે જોખમી બન્યા છે કે ગમે ત્યારે જર્જરિત બિલ્ડીંગમાંથી જોખમી ભાગ નીચે પડતા રહેતા જાનમાલની સલામતી માટે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.જેમાં નવા હાઉસિંગના 10 જર્જરિત બિલ્ડીંગોને નોટિસ ફટકારી બે દિવસમાં જોખમી અને લટકતા કાંટમાળો તોડી પાડવા આદેશ આપીને જો આ જોખમી ભાગો  નહિ તોડે તો પાણીની લાઈન તેમજ વીજ કનેક્શન કાપી નાખવાની ચેતવણી આપી છે.

મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડના 10 જોખમી બિલ્ડિંગને મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી બિલ્ડીંગોના જોખમી ભાગોને તોડી પાડવા બે દિવસની મહેલત આપી છે. તેમ છતાં પણ બે દિવસમાં જે તે આસામીઓ તેમના રહેણાંકના જોખમી બિલ્ડીંગ તોડી નહિ નાખે તો નગરપાલિકા એ બિલ્ડીંગમાં પાણી, લાઈટ આપવાનું બંધ કરી દેશે તેવું નોટિસમાં જણાવ્યું છે. જો કે આ નવા હાઉસિંગના અનેક બિલ્ડીંગો વર્ષોથી એકદમ ખખડી ગયા છે. ગમે ત્યારે મોતનો માચડો પડે છે. આવા જીવના જોખની માચડામાં કોઈ રહેવા તૈયાર ન હોય પણ મજબૂરીને કારણે ઘણા લોકો અહીંયા રહે છે. એમની વેદના એવી છે કે તેઓ સામાન્ય તેમજ મધ્યમ વર્ગીય હોય નવો આશરો બનાવી શકે એમ ન હોય સરકારના જે તે હાઉસિંગ બોર્ડ વિભાગ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તે માટે રહેવાસીઓએ એક કમિટી બનાવીને લડત પણ ચલાવી રહી છે. હવે આ લોકોને આશરો મળે તેવી વ્યવસ્થા કરવાને બદલે બેઘર કરી મુકવા હોય એમ પાલિકાએ આવી નોટિસ ફટકરતા રહીશોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.