Wednesday - Nov 05, 2025

મોરબીના વેપારીએ પોતાની પ્રોડક્ટને વિદેશમાં વેચાણ કરવાની લ્હાયમાં પોણા બે કરોડ ગુમાવ્યા

મોરબીના વેપારીએ પોતાની પ્રોડક્ટને વિદેશમાં વેચાણ કરવાની લ્હાયમાં પોણા બે કરોડ ગુમાવ્યા

વિદેશમાં ખરીદદાર શોધી આપી હોંગકોંગની કંપની સાથે ડીલ કરવાને બહાને સાઇબર ગેંગે ખેલ પાડી દીધો


મોરબી : મોરબીમા સાઇબર ક્રાઈમનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ ડ્રગ હાઉસ એન્ડ જનરલ સ્ટોરના માલિકને વિદેશમાં ખરીદદાર શોધી આપી હોંગકોંગમાં ડીલ કરાવી દેવાના બહાને છ ગઠિયાઓની ગેંગ પોણા બે કરોડ રૂપિયાનો ખેલ પાડી દીધો હતો. સાઇબર ગઠિયાઓની ગેંગ પોણા બે કરોડ ઓળવી જતા અંતે વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સ્ટાર પ્લાઝામા પટેલ ડ્રગ હાઉસ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ધરાવતા દેવેન્દ્રભાઈ નરસીભાઈ દેત્રોજા પોતાની પ્રોડક્ટ વિદેશમાં વેચાણ કરવા ઇચ્છતા હોય એક, બે નહિ પણ છ ગઠિયાઓએ આસાન શિકાર બનાવી તા.20 જાન્યુઆરી 2023થી લઈ 8 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ બહાને રૂપિયા 1 કરોડ 72 લાખ 88 હજાર 400 રૂપિયા ઠગાઈ કરી મેળવી લીધા હતા.

સાઇબર ગઠિયાઓએ દેવેન્દ્રભાઈની અલગ અલગ પ્રોડક્ટ માટે વિદેશી ખરીદદાર ગોતી આપવાના નામે આરોપી પારસ સિંગલા, ધનંજય શર્મા, પ્રવીણ બંસલ, રોબર્ટ વિલિયમ્સ, હેન્રી તેમજ હાર્વી નામ ધરાવતા શખ્સોએ હોંગકોંગમાં ડીલ કરાવી આપશે તેવી શેખી મારી માતબર રકમ મેળવી લીધી હોય પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા અંતે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નામ તેમજ મોબાઈલ નંબરના આધારે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.