5 ઝુપડાઓ, 10 કેબીનો તેમજ અન્ય આશરે 30 જેટલા કાચા અને પાકા દબાણો દૂર કરાયા
મોરબી : મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા સમગ્ર શહેર દબાણ મુકત કરવા ભારે કમર કસી મોરબીના અલગ અલગ વિસ્તારોમાં દર સપ્તાહે વન વીક વન રોડ કામગીરી દરમિયાન આ સપ્તાહે મોરબીના રાજકોટ - મોરબી રોડ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન શહેરના જાહેરમાર્ગો પરથી સરળતાથી વાહન વ્યવહાર પસાર થઈ શકે તથા માર્ગ પર દબાણના કારણે થતી વાહનચાલકોને હાલાકીનો અંત આવે તેવી રીતે કામગીરી કરવામાં હોવાનો દાવો કરાયો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા 'વન વીક વન રોડ' અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનધિકૃત દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કામગીરી સમગ્ર શહેર દબાણ મુક્ત રહે તે માટે કરવામાં આવતી હોય છે. આ સપ્તાહ દરમિયાન મોરબીના ભક્તિનગર સર્કલ થી શનાળા સુધીના અનધિકૃત દબાણો મનપાની એસ્ટેટ અને દબાણ શાખાએ દુર કર્યા હતા. આ કામગીરી દરમિયાન અદાજે 5 ઝુપડાઓ, 10 કેબીનો તેમજ અન્ય આશરે 30 જેટલા કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કામગીરી દરમ્યાન દબાણકર્તાઓને પૂર્વ સૂચના આપવામાં આવી હતી તેમજ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે પણ અવકાશ આપવામાં આવ્યો હતો. જે અનુસંધાને મોટા ભાગના દબાણો દબાણકર્તાઓ દ્વારા સ્વેચ્છાએ દુર કરવામાં આવેલ અન્ય બાકી રહેતા દબાણો જેસીબીની મદદથી મોરબી મહાનગર પાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા એ દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો.