Saturday - May 16, 2026

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અતિવૃષ્ટિ, રોડના ખાડાના સવાલો ઉઠ્યા

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અતિવૃષ્ટિ, રોડના ખાડાના સવાલો ઉઠ્યા

કોંગ્રેસના સભ્ય ભુપતભાઈ ગોધાણીએ વિવિધ 8 સવાલો ઉઠાવ્યા

મોરબી : આજ રોજ તારીખ 23 ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપના પ્રમુખ સહિતના 12 અને કોંગ્રેસના 5 સભ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં જુદા-જુદા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પ્રશ્નોતરી દરમિયાન એકમાત્ર કોંગ્રેસના ભુપતભાઈ ગોધાણીએ 8 પ્રશ્નો પુછ્યા હતા. જેના જવાબો રજૂ કરવામાં આવ્યા હતા.

ભુપતભાઈ ગોધાણીએ વરસાદ બાદ રોડ રસ્તાના કામો અંગે પ્રશ્ન પુછ્યો હતો. જેના જવાબમાં જણાવાયું હતું કે, જિલ્લા પંચાયત હસ્તકના 42 કિલોમીટરના રસ્તામાં ખાડા પડી ગયા હતા. જેમાંથી 28 કિલોમીટરના રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને દિવાળી સુધીમાં બાકીનું કામ પણ થઈ જશે.આ ઉપરાંત મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોનું દેવું માફ કરવાનો ઠરાવ કરવાની માગ ભૂપતભાઈ ગોધાણી દ્વારા કરાઈ હતી. આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ગયા હતા. ભાજપના સભ્યોએ કહ્યું હતું કે, અતિવૃષ્ટિ મુદ્દે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેથી આ મુદ્દાને રાજકીય રૂપ આપવામાં ન આવે. વીજપોલનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. જેના જવાબમાં ડીડીઓએ જણાવ્યું હતું કે આ મામલે સર્વે હાલ ચાલુ છે.

આ ઉપરાંત ભુપતભાઈ ગોધાણીએ મોરબી જિલ્લામાં આવેલી આંગણવાડીની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, મોરબી જિલ્લામાં 761 આંગણવાડી છે જેમાંથી 61 આંગણવાડી બેસવા લાયક નથી. 165 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે અને 135ની દરખાસ્ત કરવામાં આવી છે. 21 આંગણવાડીમાં પાણીની વ્યવસ્થા ન હોવાનું પણ જણાવ્યું હતું. ડીડીઓએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં જમીન ન મળતી હોવાથી ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે બાકી ગ્રામ્ય વિસ્તારમાં ભાડાના મકાનમાં આંગણવાડી ઓછી ચાલી રહી છે.