મોરબીમાં સરકારી અનાજના જથ્થાને સળગાવી દેવાની આશંકા
પુરવઠા વિભાગના અધિકારીએ ખુલ્લામાં મળેલા રેશનિંગના જથ્થા અંગે ઉડી તપાસ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો
મોરબીના નવલખી રોડ ઉપર શ્રદ્ધા પાર્ક સોસાયટી નજીક અમરેલી રોડ ઉપર આવેલ અનુસૂચિત જાતિના સ્મશાન ઉપર કચરાના ઢગલામાં આગ લાગ્યા બાદ મોટી માત્રા સરકારી અનાજનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે આ સરકારી અનાજનો જથ્થો અહીં કેવી રીતે પહોંચ્યો ? કોણ અહીં ફેંકી ગયું તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જ્યારે પુરવઠા અધિકારીએ માત્ર આ અંગે યોગ્ય તપાસ કરવાનું કહ્યું છે. પણ સરકારી અનાજનો જથ્થો કેટલો છે તે અંગે મગનું નામ મરી પાડયું નથી અને આ અનાજનો જથ્થો કબજે કરવાંની પણ તસ્દી લીધી નથી.
મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગર પાસે આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનમાં આજે બપોરે કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવી નાખી હતી. ત્યારબાદ અહીંથી સરકારી અનાજનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. આ અંગે સ્મશાનની દેખભાળ કરતા સ્થાનિક રહીશ સુખભાઈ મકવાણાએ કહ્યું હતું કે, જે સરકારી અનાજનો જથ્થો મળ્યો તેમાં ઘઉં, ચોખા, દાળ સહિતનો અનાજના જથ્થાનો સમાવેશ થાય છે. આ અનાજનો જથ્થો કોઈ ફેંકી ગયા બાદ આ અનાજને સગેવગે કરવા કચરો સમજીને આગ લગાવી દેવામાં આવી કે કેમ તે તપાસનો વિષય છે. પણ સ્થાનિકોને આ વિશે ખબર નથી. જો કે આ સરકારી અનાજનો જથ્થો શુ કામ અહીં ફેંકી દેવામાં આવ્યો તે અંગે સ્થાનિકોને માહિતી નથી.પણ આ સરકારી અનાજનો જથ્થો જૂનો હોય અને કદાચ ઉપયોગ ઉપયોગ વિનાનો હોય કદાચ ફેંકી દેવામાં આવ્યો હોય એવી શકયતા છે. આ અંગે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દેવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં તટસ્થ તપાસ થશે.ભલભલા ચમરબધીને છોડવામાં નહિ આવે છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરાશે. જો કે આ ઘટના બહાર આવ્યા બાદ પણ પુરવઠા વિભાગે સરકારી મુદ્દામાલ કબ્જે કર્યો નથી કે, કુલ કેટલો જથ્થો છે તે અંગે સ્પષ્ટતા કરી નથી. જ્યારે ગરીબ વર્ગને આ સરકારી અનાજ પૂરતા પ્રમાણમાં મળતું નથી બીજી તરફ મોંઘા ભાવનું સરકારી અનાજ ફેંકી બગાડ કરવામાં આવે છે તે કોઈ કાળે યોગ્ય નથી. સરકારી અનાજને બારોબાર સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી ત્યારે જવાબદાર અધિકારીઓ સામે શંકાની સોયા તકાય છે. આ ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી થશે કે હમેશની માફક ભીનું સંકલાય જશે ? તે જોવાનું રહ્યું.