મોરબી : માળીયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે એક નાગરિક પાસેથી પાસપોર્ટની ઇન્કવાયરી કરવા માટે 2014માં રૂ. 500ની લાંચ માંગ્યા બાદ પણ વારંવાર લાંચ માંગતા હોય અંતે મામલો એસીબી પાસે પહોંચ્યો હતો અને એસીબીએ લાંચનું છટકું ગોઠવી લાચીયા પોલીસ કર્મચારીને ઝડપી લીધા બાદ આ અંગેનો કેસ આજે એસીબી કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપીને પાંચ વર્ષની કેદ ફટકારી છે.
માળીયામાં રહેતા મનોજભાઈ હેડાઉનો નાનો ભાઈ વિદેશમાં હોવાથી આ નાનાભાઈના પત્નીને વિદેશ મોકલવાનું થતા તેણીનો પાસપોર્ટ બનાવવા એજન્ટ મારફત રાજકોટની પાસપોર્ટ કચેરીએ જરૂરી કાર્યવાહી કરી હતી. આથી રાજકોટ પાસપોર્ટ કચેરીથી સ્થાનિક પોલીસ આ પાસપોર્ટની ઇન્કવાયરી કરશે તેમ કહ્યું હતું. પછી માળીયા પોલીસ સ્ટેશનેથી ઇન્કવાયરી માટે તેમને ફોન આવ્યો હતો. આથી તેઓ નાનાભાઈના પત્ની સાથે માળીયા પોલીસ સ્ટેશને ગયા હતાં.જેમાં 17.3.2014ના રોજ માળીયા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ કોન્ટેબલ અમરતભાઈ માવજીભાઈ મકવાણાએ પાસપોર્ટની ઇનકવાયરી માટે 500 રૂપિયા આપવા પડશે તેવું કહી લાંચની રકમ માંગ્યા બાદ ફોન ઉપર ગત તા.18.3.2014ના રોજ લાંચની માંગણી કરતા અંતે મનોજભાઈ હેડાઉએ એસીબીનો સંપર્ક કરીને આ અંગેની ફરિયાદ નોંધાવતા એસીબીએ માળીયા પોલીસ સ્ટેશનમાં લાંચનું છટકું ગોઠવીને તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ આજે એસીબીની સ્પે. કોર્ટમાં ચાલી જતા સરકાર વકીલ વિજય કુમાર જાનીની ધારદાર દલીલો અને મૌખિક 7 પુરાવા અને દસ્તાવેજી 35 પુરાવાને ધ્યાને લઈને આરોપીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.