જે પોષતું તે જ મારતું તેવી ઉક્તિ મુજબ મોરબીમાં ગંદકી દૂર કરવાની જેના પર જવાબદારી છે એવા પાલિકાના સફાઈ કર્મચારીઓ આળસુના પીર હોય તેમ એક જગ્યાએથી કચરો સાફ કરીને તેનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ જ્યાંથી ગટર અને વરસાદના પાણીનો નિકાલ થાય તે વોકળામાં ઠાલવી દીધો છે. આમ ગંદકી દૂર કરતા સફાઈ કર્મીઓએ ગંદકી ફેલાવી હોવા છતાં આ ગંભીર બાબતે જવાબદાર પાલિકાના અધિકારીઓએ અજાણ હોવાનો ઢોગ કર્યો છે.
મોરબીના એક જાગૃત નાગરિકે નગરપાલિકા તંત્રના કર્મચારીઓ જ ગંદકી ફેલાવતા હોવાની ગંભીર બેદરકારીને ઉજાગર કરતા જણાવ્યું હતું કે, મોરબીના જેલ રોડ ઉપર મચ્છુ માતાજીના મંદિર તરફ જતી વખતે વચ્ચે આવેલા વોકળામાં નગરપાલિકાના માણસો જ કચરો ઠાલવીને ગંદકી ફેલાવતા હોવાની ગંભીર બેદરકારીની ફરિયાદ કરી હતી. જો કે શહેરભરમાંથી કચરો ભેગો કરીને તંત્રના જે તે વિભાગના માણસોએ રફાળેશ્વર પાસે આવેલ ડંપીગ સાઇટ ઉપર નાખવાનો હોય છે. પણ તંત્રનો આળસુ અને પેધી ગયેલો તેમજ ખાઈ બદેલો સ્ટાફ રફાળેશ્વર સુધી ધક્કો ખાવાને બદલે જેલ રોડના વોકળામાં જ ઠાલવી દે છે. જો કે વોકળામાંથી ગટર અને વરસાદનો પાણી નિકાલ થાય છે. પણ આવી બેદરકારીને કારણે ગટરનું પાણી કે વરસાદનું પાણી વોકળામાં જતું નથી અને પાછું ઠેલાય છે. જેથી પાણીનો ઠેરઠેર ભરાવો થાય છે. તથી નગરપાલિકા તંત્ર આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ભારે તેવી જાગૃત નાગરિકે માંગ ઉઠાવી છે.