મોરબી : શાકભાજીમાં વધતા જંતુનાશકોના ઉપયોગ વચ્ચે સ્વચ્છ, દેશી અને ઓર્ગેનિક શાકભાજીનું મહત્વ સમજાવવાના હેતુથી મોરબીની શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી અંદાજે 400 વિદ્યાર્થીનીઓ માટે કિચન ગાર્ડન અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન વિદ્યાર્થીનીઓને પોતાના ઘરે જ શાકભાજી ઉગાડી તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપવામાં આવી હતી.
પર્યાવરણપ્રેમી શ્રી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવેલી તાલીમમાં કિચન ગાર્ડન માટે યોગ્ય સ્થળની પસંદગી, જરૂરી સાધનો, માટીની તૈયારી, બીજની પસંદગી તેમજ પાણીના યોગ્ય ઉપયોગ અંગે વિદ્યાર્થીનીઓને વ્યવહારુ સમજ આપવામાં આવી હતી. તાલીમના ભાગરૂપે દરેક વિદ્યાર્થીનીને પોતાના ઘરે દેશી પાલક વાવવા માટે દેશી પાલકના બીજનું પેકેટ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું.
હાલ શાકભાજીના ઉત્પાદનમાં જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે આરોગ્ય અને પર્યાવરણ અંગે ચિંતા વધી રહી છે. આવા સંજોગોમાં રાસાયણિક દવાઓના અતિરેકથી બચવા માટે ઘરમાં જ દેશી અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડી તેનો ઉપયોગ કરવાની દિશામાં જાગૃતિ આવે તે તાલીમનો મુખ્ય હેતુ રહ્યો હતો. સાથે જ વિદ્યાર્થીનીઓ પોતે બીજ વાવે, છોડનો ઉછેર કરે અને શાકભાજી તૈયાર થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાનો અનુભવ મેળવે તથા તેમાં કુતૂહલ અને રસ કેળવાય તેવો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો હતો.
તાલીમ માટે પાલકની પસંદગી પાછળ પણ વિશેષ કારણ દર્શાવવામાં આવ્યું હતું. તાલીમમાં જણાવ્યા મુજબ પાલક વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત શાકભાજીમાં ગણાય છે અને જંતુનાશકોના અવશેષો શરીરમાં પહોંચવાનું જોખમ રહે છે. તેથી બજારમાંથી ખરીદવાને બદલે ઘરે દેશી પદ્ધતિથી પાલક ઉગાડી તેનો ઉપયોગ કરી શકાય તે અંગે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મધૂરમ ફાઉન્ડેશન, મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક, સી.આર.સી. કોઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયા તેમજ એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંતે ઉષાબેન જાદવે આભારવિધિ કરી હતી. તાલીમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં કિચન ગાર્ડન, પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ ખોરાક અંગે સમજ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.