સરકારી જમીન ફાળવણીમાં ‘ખો’ અપાતા ટંકારાના નિવૃત્ત આર્મીમેનનું મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન
ટંકારા : દેશની સેવા કરીને નિવૃત્ત થયેલા જવાનોને જ્યારે પોતાના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. આવો જ એક કિસ્સો ટંકારામાં સામે આવ્યો છે, જ્યાં રહેણાક હેતુ માટે જમીન ફાળવણી બાબતે નિવૃત્ત આર્મીમેનને તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળતા આખરે તેમણે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
ટંકારાના રહેવાસી અને નિવૃત્ત આર્મીમેન ઝાલા મજબુતસિંહ અજીતસિંહ દ્વારા ટંકારા મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટેશનને લેખિત જાણ કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યા મુજબ, તેઓએ સરકારી જમીનમાંથી રહેણાક હેતુ માટે જમીન ફાળવવા માટે તારીખ ૦૭/૧૦/૨૦૨૩ થી રજૂઆત કરેલી છે. જોકે, આજ દિન સુધી સુધી તેમના પ્લોટની ફાળવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
અરજદારની વ્યથા એવી છે કે, જ્યારે તેઓ મામલતદાર કચેરીએ જાય છે ત્યારે મામલતદાર સાહેબ એવું કહે છે કે "નગરપાલિકાનો અભિપ્રાય લઈને આવો", અને જ્યારે તેઓ ચીફ ઓફિસર પાસે જાય છે ત્યારે ત્યાંથી એવો જવાબ મળે છે કે "અભિપ્રાય મામલતદાર સાહેબ પાસેથી મળશે". આમ, બે સરકારી કચેરીઓ વચ્ચે નિવૃત્ત જવાનને 'ખો' આપવામાં આવી રહી છે અને કોઈ સ્પષ્ટ કે તટસ્થ જવાબ મળતો નથી. લાંબા સમયથી ચાલતી આ આંટીઘૂંટી અને ધક્કાથી કંટાળીને આખરે નિવૃત્ત આર્મીમેન ઝાલા મજબુતસિંહએ આજથી ટંકારા મામલતદાર કચેરી ખાતે ઉપવાસ પર બેઠા છે.