Saturday - May 16, 2026

મોરબીમાં પતિ સતત મારપીટ કરીને સિતમ ગુજારતા પત્ની ઘરબાર છોડી રસ્તે રઝળવા મજબુર

મોરબીમાં પતિ સતત મારપીટ કરીને સિતમ ગુજારતા પત્ની ઘરબાર છોડી રસ્તે રઝળવા મજબુર

સદભાગ્યે જાગૃત નાગરિકની મદદથી અભયમે મામલો સંભાળી પતિને કાયદાકીય કાર્યવાહીની કડક સૂચના આપી  બન્ને વચ્ચે સુલેહ કરાવ્યો

મોરબી  : મોરબીમાં લવમેરેજના થોડા સમયમાં જ પતિએ પોત પ્રકાશીને મારપીટ કરીને એટલી હદે જુલમ ગુજાર્યો કે પત્ની ઘરબાર છોડીને રસ્તે રઝળપાટ કરવા મજબુર બની હતી. જેમાં પતિ સતત મારઝૂડ કરી ઘરેથી કાઢી મુકવાની ધમકી આપતો હોવાથી પતિના રોજરોજના ત્રાસથી કંટાળીને પત્નીએ ઘર છોડી દીધું હતું. જો કે તેણી માતાપિતાની ઉપરવટ જઈને લવમેરેજ કર્યા હોય પિયરજનોએ સંબંધ તોડી નાખતા પતિનું ઘર છોડી દીધા બાદ હવે તેણીને ક્યાં જવું એની ચિંતા કોરી ખાતી હોય બસ સ્ટેન્ડમાં ગભરાયેલી હાલતમાં બેસીને સતત રડતી હોવાનું એક જાગૃત નાગરિકને ધ્યાને આવતા સમગ્ર મામલો અભયમ ટીમ પાસે પહોંચ્યો હતો અને અભયમે આખી પરિસ્થિતિનો તાગ મેળવી પહેલા પતિની શાન ઠેકાણે લાવી કાયદાકીય કાર્યવાહીની કડક સૂચના આપી ફરીથી બન્ને વચ્ચે સુલેહ કરાવ્યો હતો.

મોરબીના એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને જાણ કરી હતી કે, શહેરના જૂના બસ સ્ટેશન ખાતે સતત આઠ કલાકથી એક મહિલા ગભરાયેલી હાલતમાં બેઠેલી હોય અને સતત રડી રહી છે. આ માહિતી મળતા જ 181ના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ મહેશભાઈ પરમાર સ્થળ પર દોડી જઇ પ્રથમ મહિલાને સાંત્વના આપી પૂછપરછ કરતા તેણીએ પોતાની પતિના અત્યાચારની હકીકત જણાવી હતી. જેમાં આ મહિલા મૂળ મધ્યપ્રદેશની વતની હોય પણ હાલ મોરબીના એક ટાઇલ્સ કારખાનામાં તેના પતિ અને સાસુ-સસરા સાથે રહે છે. જો કે તેણીના માતાપિતાને મંજુર ન હોવા છતાં તેમની ઉપરવટ જઈને પ્રેમલગ્ન કર્યા હોવાથી તેણીના નારાજ માવતરે સબંધ કાપી નાખ્યા હતા. આમ છતાં તે ઘરબાર છોડીને પતિના ભરોસે આવી હતી. પણ લગ્નના થોડા સમયમાં પતિએ "અસલી રૂપ"બતાવતા પત્ની આઘાતથી હચમચી ગઈ હતી. જેમાં તેનો પતિ દરેક વાતને મોટું રૂપ લઈ ઝઘડો કરી સતત મારકુટ કરી ઘરની બહાર કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો.


બીમાર પત્નીને દવાખાને લઈ જવાને બદલે પડ્યા ઉપર પાટુ મારી

હમણાં તેણી બીમાર પડી ગઈ હોવાથી સારવાર માટે દવાખાને લઈનેનું પતિને કહેતા દવાખાને લઈ જવાને બદલે પડ્યા ઉપર પાટુની જેમ બીમાર પત્ની ઉપર તૂટી પડ્યો હતો. જેને દિલથી પ્રેમ કર્યો અને જેની ખાતર ઘરબારને છોડ્યું હોય એ યુવક લગ્ન પછી આ રીતે અત્યાચાર ગુજારશે એવું તેણીએ સ્વંપેનય વિચાયું ન હતું. પરંતુ આ કડવી વાસ્તવિકતા સામે આવતા પતિના અત્યાચારથી જીવતર ઝેર બની જતા તેણીએ આખરે ઘર છોડી દીધું હતું. આ મહિલાની વેદના સાંભળીને અભયમ ટીમે એના પતિનો સંપર્ક કરી તેની પાસે પહોંચી કાયદાકીય ભાષામાં કડક રીતે સમજાવ્યો હતો અને પત્ની પર હવે પછી ક્યારેય પણ હાથ ઉપાડશે કે ખોટો ઝઘડો કરશે કે ત્રાસ આપશે તો તેની સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરાશે તેવી કડક ચેતવણી આપી હતી. તેમજ મહિલાને પણ સ્વમાનભેર જીવવા અને પતિનો ત્રાસ આપે તો ઘર છોડવાને બદલે ઘરેલુ હિંસાની કાર્યવાહીની સમજણ આપી હતી. આ રીતે અભયમેં બન્ને પતિ પત્નીને યોગ્ય સમજણ આપીને ફરીથી બન્ને વચ્ચે સુમેળ કરાવ્યો હતો.