મોરબી : મોરબીમાં પિતાને મોઢાનું કેન્સર થયા બાદ પુત્રને પણ બ્લડ કેન્સર થતા સારવાર માટે મજબૂરીમાં વ્યાજખોર પાસેથી 20 ટકા વ્યાજે નાણાં લીધા બાદ સમય સર વ્યાજનો હપ્તો ચૂકવી ન શકતા વ્યાજખોરે યુવાનના ઘેર જઈ પઠાણી ઉઘરાણી કરી યુવાનના પત્નીને ફડાકા ઝીકી દઈને પઠાણી ઉઘરાણી કરી જીવવું હરામ કરી નાખતા અંતે આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીમાં રેન્જ આઈજી સમક્ષ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદોનો ઢગલો થતા આ અરજીના બનાવની ધડાધડ ફરિયાદ નોંધાઇ રહી છે. વધુ એક વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદમાં મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા અને હાલમાં અમદાવાદ ખાતે ડિઝાઈનર તરીકે ખાનગી નોકરી કરી ઓફિસમાં જ રહેતા જયદીપભાઈ લાલજીભાઈ માણસુરીયા ઉ.36 નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે.શક્ત શનાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ વર્ષ પૂર્વે તેમના પિતાને મોઢાનું કેન્સર થયા બાદ જયદીપભાઈને પણ મોઢાનું કેન્સર થતા સારવાર માટે નાણાંની જરૂર પડતા આરોપી જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા પાસેથી 4.50 લાખ રૂપિયા મહિને 20 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં થોડો સમય નિયમિત વ્યાજ આપ્યા બાદ આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતા સમયસર નાણાં ન ચૂકવી શકતા આરોપી જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રાએ અસલી વ્યાજખોરનો રંગ બતાવી એક દિવસ જયદીપભાઈના ઘેર જઈ પઠાણી ઉઘરાણી કરી જયદીપભાઈના પત્ની પુનમબેનને ફડાકા ઝીકી દીધા હતા. આ ઉપરાંત આરોપીએ બે કોરા ચેક પડાવી લઈ કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.