ગેસના બાટલાની ભારે અછતથી વર્ષો પહેલાની જેમ કોલસાની સગડી પર રસોઈ કરવી પડતા ગૃહિણીઓમાં કાળો કકળાટ
(રવિ બરાસરા, મોરબી) : ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધથી ગેસના બાટલાની કટોકટીની એવી આંધી ઉઠી છે કે, મોરબી જેવા ઔદ્યોગિક રીતે સમૃદ્ધ શહેરમાં ફરી અગાઉની જેમ જ સગડીઓ ઉપર રસોઈ કરવા કેટલીક ગૃહિણીઓને મજબૂર કરી દીધી છે. જો કે આ ગેસના બાટલાની અછતની હૈયાહોળી એક મહિના કરતા પણ વધુ સમયથી હોય પણ હવે પરિસ્થિતિ વિકટ બની ગઈ હોવાનું સામે આવ્યું છે. ઘરેબેઠા આસાનીથી મળતા ગેસના બાટલા હવે ગેસ એજન્સીમાં ધક્કા ખાવા છતાં મળતા ન હોય અને કેટલીક જગ્યાએ બાટલાના કાળા કારોબારનો ધીકતો ધંધો ચાલતો હોવાની ફરિયાદ ઉઠવા છતાં પુરવઠા વિભાગ હાથ ઉપર હાથ ધરીને બેઠો હોવાથી પ્રજા વિના કારણે ભારે હેરાન થાય છે.રેસ્ટોરન્ટમાં મહીંના 8થી વધુ બાટલા મળી જતા પણ હવે એક જ બાટલો મળે છે. આવી કટોકટીભરી પરિસ્થિતિ ગૃહિણીઓની પણ છે. લોકોને મહિને એક બાટલો મળતો હોય રસોઈ કેમ કરવી ? તેની ભારે ચિતા કોરી ખાતી હોય અગાઉના વડીલો જેવું જીવન શરૂ કરી દીધું છે. જેમાં કેટલીક હોટલ-રેસ્ટોરન્ટ, પાણી-પુરી જેવા ધંધાર્થીઓ અને અમુક ગૃહિણીઓને કોલસાની સગડી પર રસોઈ કરવા મજબુર બનવું પડ્યું છે. જો ગેસના બાટલાની આવીને આવી કટોકટી રહી તો બધાનું જીવન ગેસને બદલે કોલસાની સગડી પર નિર્ભર બની જશે !
અગાઉ આઠ બાટલાની સામે મહિને એક જ બાટલો મળ્યો
અગાઉ યુદ્ધ જેવી પરિસ્થિતિ જ હતી ત્યારે નોર્મલ પરિસ્થિતિમાં અમારે રેસ્ટોરન્ટમાં 8થી12 જેટલા કર્મોશ્યલ ગેસના બાટલા આસાની મળી જતા હતા. હવે ગેસના બાટલાની અછત હોવાથી ગયા માર્ચ આખા મહિનામાં માત્ર એક જ બાટલો મળ્યો છે. રોજની બે ટાઈમની મોટી ઘરાકી હોય બાટલા વગર તો રેસ્ટોરન્ટ કેવી રીતે ચલાવી ? રેસ્તરેન્ટ તો બંધ કરવી પોસાય એમ નથી. કારણ કે ઘરાકી તૂટી જાય અને બીજું કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ક્યાં સુધી ચાલે એ નક્કી જ નથી. એટલે હાલ રેસ્ટોરન્ટની તમામ રસોઈ કોલસાના સગડા પર જ બનાવવી પડે છે. તેમાં તકલીફો પડે છે. પણ મેનેજ કરી લઈએ છીએ
- દીપભાઈ કંસારા, રેસ્ટોરન્ટના માલિક
બાટલાનો સમય 15 દિવસમાંથી હવે 35 દિવસનો કરી નાખ્યો
એક કોમ્પ્લેક્સની ઓરડીમાં ચા બનાવવાનો નાના પાયે વેપાર કરી આજુબાજુમાં લોકોને ચા પીવડાવી ઘરનું ગુજરાન ચલાવું છે. પહેલા 15 દિવસે બાટલો મળી જતો. પછી ગેસ એજન્સીએ 25 દિવસ કરી નાખ્યા અને હવે એમાંથી વધારી 35 દિવસ કરી નાખ્યા છે. 35 દિવસે બાટલો મળે તો ચા નો ધંધો કઈ રીતે ચાલે ? એટલે મારા જેવા સામાન્ય માણસને મોટા ખર્ચા પોસાય એમ ન હોય જ્યાં ત્યાંથી ગેસનો બાટલો માંગીને માંડ માંડ ધંધો ચલાવું છું.
જવાહરભાઈ મીના - ચાની રેડકીના ધંધાર્થી
બાટલા ન મળતા સગડીમાં રસોઈ ચાલુ કરી
બાટલાના કોઈ ઠેકાણા જ નથી. મહિને એકવાર બાટલો મળતો હોય ત્યાં સુધી શેના ઉપર રાંધીને ખાવું ? મારા જેવી સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતી મહિલાઓને પરિવાર સાથે રોજેરોજ બે ટાઈમ બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવું કોઈ કાળે પોસાય તેમ નથી. જો કે સગડી ઉપર રસોઈ બનાવી નથી. પણ હવે પરિસ્થિતિ એવી છે કે સગડી ઉપર રસોઇ બનાવીને ઘરના સભ્યોને જમાડું છું. જો કે કોલસાની સગડી પર રસોઈ બનાવવાથી ધુમાડાને કારણે આરોગ્યને નુકશાન થાય છે.
-સીમાદેવી રાજપૂત
પાણીપુરીની તમામ સામગ્રી સગડી પર બનાવીએ છીએ
શહેરમાં સામાન્ય પાણીપુરીની રેકડી ચલાવીને મારી જેમ અનેક ગુજરાન ચલાવે છે. આ તમામને ગેસના બાટલાની અછત નડી છે. ગેસનો બાટલો ન મળતો હોવાથી હવે પાણીપુરી માટે પુરી બનાવવી, ચણા, બટેટા બાફવા, રગડો બનાવવો વગેરે સામગ્રી સગડી પર જ બનાવીએ છીએ. એમાં ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે તેમ. છે. કારણ કે ગેસ કરતા કોલસો મોંઘો પડે છે. આમ છતાં ધંધો ચાલુ રાખવા આ ખોટ ન પડવડે છતાં પણ સહન કરવી પડે છે.
- માંગીલાલ કુમાર, પાણીપુરીની ધંધાર્થી