Saturday - Jul 04, 2026

મોરબીમાં પ્રેમલગ્નમાં છૂટાછેડા બાદમાં મૈત્રીકરારમાં પણ તિરાડ પડવાથી યુવાન ઉપર પૂર્વ પત્ની અને સાસુએ કર્યો હુમલો

મોરબીમાં પ્રેમલગ્નમાં છૂટાછેડા બાદમાં મૈત્રીકરારમાં પણ તિરાડ પડવાથી યુવાન ઉપર પૂર્વ પત્ની અને સાસુએ કર્યો હુમલો

મોરબી : મોરબીમાં બેંકમાં કામ કરતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પરિવારની સમતીથી રીતરિવાજ મુજબ લગ્ન કરનાર યુવકના સુખી સંસારમાં પત્નીને અન્ય યુવક સાથે સંબંધો બંધાતા લગ્નજીવનમાં કંકાસ બાદ કેસ કબાડા ઉભા થયા હતા જે બાદ છૂટાછેડા લઈ ફરી પત્ની સાથે મૈત્રીકરારથી રહેતા યુવકના જીવનમાં પતિ, પત્ની ઔર વોના ઝઘડા ચાલુ રહેતા માતાપિતા સાથે રહેવા જતા રહેલા યુવાન પર પત્ની અને સાસુએ હુમલો કરી માસૂમ પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરમાં નાની કેનાલ રોડ, પંચાસર રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણા ઉ.વ.36 નામના યુવાને તેની પત્ની નિશા રાજેશભાઇ દફ્તરી અને સાસુ રાજેશ્રીબેન રાજેશભાઇ દફ્તરી રહે. અરુણોદયનગર, જૈન દેરાસર સામે મોરબી વિરુદ્ધ ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2019મા મોરબીની ખાનગી બેંકમાં નોકરી કરતી નિશાબેન દફ્તરી સાથે ઓળખાણ થયા બાદ મૈત્રી થઈ હતી જે બાદ બન્નેએ રજીસ્ટર મેરેજ કર્યા હતા.જો કે, નિશાબેનના માતાપિતાને આ લગ્ન મંજુર ન હતા. બાદમાં બન્ને પરિવારની સહમતીથી રીતરિવાજ મુજબ લગ્ન કરી સાથે રહેતા હતા અને લગ્નજીવન દરમિયાન પુત્ર પક્ષાલનો જન્મ થયો હતો.

દરમિયાન ધીરેનભાઈ અને નિશાબેનના સુખી લગ્નજીવનમાં જંજાવાત રૂપે પત્નીના પ્રેમીનું આગમન થતા બન્ને વચ્ચે ઝઘડા થવા લાગતા રાજકોટ રહેવા જતા રહ્યા હતા. જો કે,પતિ ધીરેનભાઈએ પત્ની નિશાબેનને મોરબીમાં રહેતા પ્રેમી સાથે સંબંધ છોડી દેવા કહેવા છતાં પત્નીએ પ્રેમસંબંધ ચાલુ જ રહેશે તેમ જણાવતા ધીરેનભાઈએ છુંટાછેડા લઈ લીધા હતા. એ દરમિયાન પણ તેમના પત્ની નિશાબેન દ્વારા રાજકોટ અને મોરબી અલગ અલગ કેસ કર્યા હતા. બાદમાં છુટાછેડા થઈ જતા બન્ને અલગ રહેવા લાગ્યા હતા. જો કે, નિશાબેને પોતાની ભૂલ સ્વીકારતા ફરિયાદી ધીરેનભાઈએ ફરી મૈત્રીકરાર કરી સાથે જીવન ગાળવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન મૈત્રી કરાર બાદ થોડો સમય શાંતિથી ઘરસંસાર ચાલ્યા બાદ પત્ની નિશાબેન સાથે ફરી ઝઘડા ચાલું થતા ધીરેનભાઈએ મૈત્રીકરાર રદ કરી ઘરેણાં સહિતની વસ્તુઓ પરત આપી દીધી હતી તેમ છતાં નિશાબેને પતિ વિરુદ્ધ બળાત્કાર સહિતના કેસ કર્યા હતા.બાદમાં કોર્ટના હુકમ મુજબ પત્નીને પુત્ર પક્ષાલને મળવાની પરવાનગી આપવામાં આવી હોય ગત તા.26 ઓક્ટોબરના રોજ પુત્રને મળવા મોરબીના નેક્સેસ સિનેમા પાસે મળવા આવ્યા હતા. જ્યાં વધુ સમય માટે પુત્રને મળવાનું કહી ઝઘડો કરી બાદમાં પત્ની અને સાસુએ ફરિયાદીના ઘેર જઈ લાકડી વડે ગાડીમાં ઘા કરી બાદમાં ધીરેનભાઈ પર લાકડી વડે હુમલો કરી પુત્ર પક્ષાલને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ધીરેનભાઈની ફરિયાદના આધારે પોલીસે પત્ની અને સાસુ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.