કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાનની રાજ્ય મંત્રીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઇ
મોરબી : મોરબી જિલ્લામાં ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન થયું છે. તેની સમિક્ષા બેઠકનું રાજ્યમંત્રીની હાજરી આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ, ધારાસભ્ય, ઇન્ચાર્જ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે મંત્રીએ જરૂરી સૂચન કર્યા હતા.
મોરબી કલેક્ટર કચેરીના સભા ખંડમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ખેતી પાકમાં થયેલા નુકશાનની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી ખેડૂતો માટે કામગીરી કરે તે જરૂરી છે. અને નુકસાની સર્વેની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરીને કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીએ અધિકારીને તાકીદ કરી હતી. આટલુ જ નહીં હાલમાં સર્વે માટે જે ટીમો બનાવવામાં આવેલ છે તેમાં જરૂર હોય તો વધારે ટીમોની રચના કરવા માટેની પણ સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકાવાર અને પાકવાર ફાઈનલ વાવેતર મુજબ ખરીફ પાક-2025 ની સ્થિતિ, વર્ષ-2025 માં વરસાદના આંકડા, જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની તાલુકાવાર વિગતો, નુકસાનગ્રસ્ત વિસ્તાર અને સર્વેની જોગવાઈ અને અમલવારી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.