Monday - Aug 31, 2026

મોરબીમાં સમયસર વ્યાજ ચૂકવવા છતાં કાર પડાવીને ત્રાસ આપતા યુવાનનો આપઘાત : બે વ્યાજખોરો સામે ગુનો

મોરબીમાં સમયસર વ્યાજ ચૂકવવા છતાં કાર પડાવીને ત્રાસ આપતા યુવાનનો આપઘાત : બે વ્યાજખોરો સામે ગુનો

ભાગીદારીમાં શરૂ કરેલી ચા - નાસ્તાની હોટેલ બરાબર ન ચાલતા યુવાને વ્યાજે નાણા લીધા બાદ બે વ્યાજખોરોએ ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવકે રક્ષાબંધનના દિવસે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બનાવના યુવકના ભાગીદાર અને વ્યાજખોરે ભાગીદારીમાં ચરાડવા ગામે ચા - નાસ્તાની હોટલ શરૂ કરી ધંધો બરાબર ન ચાલતા વ્યાજે પૈસા આપી બાદમાં કાર પડાવી લઈ પરત નહિ આપતા યુવકે અંતિમ પગલું ભર્યાનું સામે આવતા ચરાડવાના બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇલાબા અમૃતસિંહ જાડેજાએ આરોપી મયુર ડોડીયા અને યુવરાજ ઉર્ફે લાલભાઈ રહે.બન્ને ચરાડવા ગામ. તા.હળવદ વાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં તેમના પતિ અમૃતસિંહ દાનુભા જાડેજાને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.ઇલાબાએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, તેમના પતિ અમૃતસિંહે આરોપી મયુર અને યુવરાજ સાથે ચરાડવા ખાતે ભાગીદારીમાં ચા - નાસ્તાની હોટલ શરૂ કરી હતી.પરંતુ ધંધો બરાબર નહિ ચાલતા આરોપી યુવરાજ ઉર્ફે લાલાભાઈ પાસેથી 3.25 લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ પણ સમયસર ચૂકવતા હતા છતાં પણ આરોપીઓએ મૃતક અમૃતસિંહ પાસેથી જીજે - 36 - એઆર - 8000 નંબરની બલેનો કાર બળજબરીથી પડાવી લઈ વ્યાજ અને પૈસા આપે તો જ કાર પરત આપીશું તેવું કહી પઠાણી ઉઘરાણી કરતા હતા.બન્ને વ્યાજખોરોના ત્રાસથી અમૃતસિંહે આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.