ઉનાળામાં કેરી, તરબૂચ, સાકરટેટી સહિતના ફળોની સિઝન આવતી હોવાથી જન આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વ્યાપક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, કલેક્ટરને રજૂઆત
મોરબી : મોરબીમાં નગરપાલિકા વખતે ખાસ ફૂડ વિભાગ જ ન હોવાથી ભેળસેળીયા તત્વો બેફામ બનવાથી બધું જ રામરાજ્ય જેવી જ સ્થિતિ હતી. પણ એક વર્ષથી મોરબી મનપાની રચના થતા હમણાંથી ફૂડ વિભાગે ભેળસેળ કરતા અને શુદ્ધ વાનગીના નામે અશુદ્ધ ખોરાક લોકોના પેટમાં પધરાવતી જાણીતી હોટલો, જંકફૂડની રેસ્ટોરન્ટ,બેકરી, મીઠાઈ અને ફરસાણ ઉપર કરેલી કાર્યવાહી પાશેરામા પુણી સમાન છે. હવે ઉનાળામાં કેરી, તરબૂચ, સાકરટેટી સહિતના ફળોની સિઝન આવતી હોવાથી આ કેરી સહિતના ફળોમાં કેમિકલ મિલાવીને જન આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વ્યાપક કાર્યવાહી કરવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના મોરબી જિલ્લા એકમના ઉપાધ્યક્ષએ મોરબી જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે.
મોરબીમાં બજારમાં કેળા જેવા ફળોને કાર્બાઈડ કે અન્ય જોખમી કેમિકલથી પકવવામાં આવી રહ્યા છે. તેમજ તરબૂચ જેવા ફળોમાં કલર અને મીઠાશ માટે પ્રતિબંધિત ઇન્જેક્શન આપવામાં આવે છે, જેનાથી ગંભીર બીમારીઓ થવાનો ભય રહે છે. આ મામલે ફળ બજારમાં આકસ્મિક તપાસ કરી કેમિકલયુક્ત ફળોનો નાશ કરવા અને તે વેચનારાઓ પર ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. મીઠાઈની દુકાનોમાં FSSAI ના નિયમ મુજબ 'બેસ્ટ બીફોર ડેટ'નું લેબલ લગાવવામાં આવતું નથી. વાસી મીઠાઈઓ, ડુપ્લિકેટ ઘીનો વપરાશ, પામ ઓઈલનો બેફામ વપરાશ અને અખાદ્ય સિન્થેટિક કલરોનો ઉપયોગ કરી ગ્રાહકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. અનેક બેકરીઓમાં હલકી ગુણવત્તાના લોટ અને કેમિકલ્સનો ઉપયોગ થાય છે. લારી-ગલ્લા અને હોટલોમાં ડુપ્લિકેટ ચીઝ અને પનીરનો ઉપયોગ વધ્યો છે, દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ અને સ્ટાર્ચ જેવી મિલાવટ તથા શુદ્ધ ઘીના નામે ભેળસેળિયું કે 'ડુપ્લિકેટ' ઘી વેચાઈ રહ્યું છે. ઉનાળાની સિઝન શરૂ થતા ઠંડા પીણાં એટલે કે ગોલામાં વપરાતા કલરમાં પણ ક્યાંક ને ક્યાંક ભેળસેળ દેખાઈ રહી છે.