મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલા મચ્છીપીઠ વિસ્તારમાં મસ્જિદ રોડ પર આજે બુધવારે વન વિક વન રોડ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડ પર નડતરરૂપ ઓટલા અને છાપરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્લિન ખરે અને ડેપ્યુટી કમિશનરના વડપણ હેઠળ આ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત કોઈને કોઈ વિસ્તારનો વારો લઈ ત્યાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવે છે. ત્યારે આજે બુધવારે વન વિક વન રોડ અંતર્ગત શહેરના હાર્દ સમાન જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છી માર્કેટ મસ્જિદ રોડનો વારો લેવામાં આવ્યો હતો અને આ વિસ્તારમાં ખડકાયેલા દબાણો ઉપર મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને ગેરકાયદે રહેણાક મકાનો અને દુકાનો બહારના ખડકાયેલા ઓટલા અને છાપરાના દબાણો તોડી પડાયા હતા.આ મચ્છી પીઠથી અયોધ્યાપુરી રોડ સુધી આ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. બુલડોઝર મારફતે નડતરરૂપ દુકાનો બહાર રહેલા ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવ્યું હતું. આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું હતું.જો કે અગાઉ દબાણ હટાવની કામગીરી શરૂ થાય ત્યારે પ્રથમ મચ્છીપીઠ વિસ્તારનો વારો લેવામાં આવતો હતો. આ વિસ્તારમાં જે તે સમયે નગરપાલિકા દબાણો દૂર કરાયા બાદ પાણીમાં બેસી જતી હતી. પણ હવે મનપાએ દબાણો દૂર કર્યા છે અને કાયમી આ દબાણ હટાવની કામગીરી ચાલુ રહે તેવા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે.