નોટીસને પગલે 185 કોમ્પ્લેક્સ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી કરાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેરમાં આગની ઘટનાઓ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગે સરકારી કચેરીઓ, ઇન્ડસ્ટ્રીઝ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં જઈને કુલ 99 લોકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી હતી. તો બીજી તરફ ચેકીંગ દરમિયાન નોટિસો આપવામાં આવતા 185 કોમ્પ્લેક્સ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
મોરબી ફાયર વિભાગના જણાવ્યા મુજબ ફાયર શાખા દ્વારા 2 સરકારી કચેરીના 28 કર્મચારીઓ, 2 ઇન્ડસ્ટ્રીઝના 21 લોકો અને રેસિડેન્શિયલ વિસ્તારોના 50 નાગરિકોને આગ લાગે ત્યારે બચાવ માટે શું કરવું તેની તાલીમ આપવામાં આવી છે. ફાયર સેફ્ટીના ભાગરૂપે શહેરના વિવિધ કોમ્પ્લેક્સ, સમાજવાડી અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બિલ્ડીંગો પાસે ફાયર NOC ન હતી, તેમને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અગાઉ અપાયેલી નોટિસના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છેમ 185 કોમ્પ્લેક્સ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે અથવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફાયર સેફ્ટી અપ્રુવલ માટે આવેલી 4 નવી અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.