મોરબીના મચ્છુ-2 ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા માળીયા પંથકને મચ્છુ નદીના પાણી ઘેરી વળ્યાં છે અને મચ્છુ નદીના પાણીએ ભારે નુકશાની કરી છે. ખાસ કરીને માળિયામાં પુર જેવી પરિસ્થિતિને કારણે મીઠા ઉધોગને મોટી નુકશાની વેઠવી પડી છે. મચ્છુ નદીના પાણી મીઠાના પાળામાં ફરી વળતા ધોવાણ થવાથી મીઠાના નાના મોટા એકમોમાં ભારે તબાહી થઈ હતી.
માળીયા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી અને જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી પડતા ભારે વરસાદ અને મચ્છુ નદીના પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગમાં ભારે નુકશાન થયું હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે, વરસાદી પાણીને કારણે 500જેટલા નાના અને 100 જેટલા મીઠાના એકમોના સાગર પાળા ધોવાઈ જતા પાણીનો પ્રવાહ મીઠાના એકમોમાં ઘુસી જતા ચારે તરફ કાદવ અને કીચડ ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે મીઠાની બેડ પણ ધોવાઈ ગઈ છે ઉપરાંત મીઠાનો કરોડો ટન જથ્થો પણ ધોવાઈ જતા 25 ટકા જેટલો તૈયાર માલ પાણીમાં ઓગળી ગયો છે અને હજુ પણ વરસાદ આમને આમ ચાલુ રહેશે તો નુકશાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.