મોરબી: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબીના 'પરહિતકર્મ ગ્રુપ' દ્વારા જીવદયા અને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. "હર જીવ મેં શિવ" અને "માનવ સેવા એ જ પ્રભુ સેવા"ના સૂત્રને ચરિતાર્થ કરતા આ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી સતત ૩૦ દિવસ સુધી અનોખી સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવી.
આ સેવાયજ્ઞ અંતર્ગત દરરોજ અબોલ જીવ એવા શ્વાનો માટે દૂધ તેમજ નાના-મોટા તમામ લોકો માટે પૌષ્ટિક ડ્રાયફ્રૂટ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રુપના સેવાભાવી સભ્યોએ દરરોજ પોતાના ૨ કલાકનો સમય ફાળવીને આ ભગીરથ કાર્યમાં નિઃસ્વાર્થ યોગદાન આપ્યું હતું. પરહિતકર્મ ગ્રુપ અને દાતાશ્રીઓના સંયુક્ત પ્રયાસથી યોજાયેલી આ એક માસની સેવા સમગ્ર મોરબી પંથક માટે પ્રેરણારૂપ બની રહી છે.