બે-બે મહિના સુધી પગાર નહીં, પગારની પહોંચ પણ નહીં અને મનફાવે તેમ કપાતના આક્ષેપો : કર્મચારીઓના હિતમાં કડક કાર્યવાહી કરવાની માંગ, કોર્પોરેટર ભુપત જારીયા, હિરેન ક્લોતરા, જીજ્ઞેશ કૈલા,બ્રિજેશ કુંભારવાડિયા સહિતનાએ સફાઈ, ગંદકી, સફાઇમા સ્ટાફ ઘટ સહિતના મુદ્દે અધિકારીઓ પર તડાપીટ બોલાવી
મોરબી : મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરી સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો વચ્ચે આઉટસોર્સિંગ કર્મચારીઓની સ્થિતિનો મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો. મહાપાલિકા માટે કામગીરી કરતા કર્મચારીઓને સમયસર પગાર ન મળતો હોવાના, પગારમાંથી નિયમ વિરુદ્ધ રકમ કપાતી હોવાના તેમજ પગારની પહોંચ ન અપાતી હોવાના આક્ષેપો સાથે કોર્પોરેટરોએ આઉટસોર્સિંગ એજન્સીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
સભામાં ભૂપત જારીયાએ આઉટસોર્સ કર્મચારીઓના આર્થિક શોષણનો મુદ્દો સીધો ઉઠાવી તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મનપા માટે ફરજ બજાવતા કેટલાક આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત રીતે પગાર મળતો નથી. કેટલાક કર્મચારીઓને તો બે મહિના જેટલો સમય વીતી જવા છતાં પગાર ચૂકવાયો ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
મુદ્દો માત્ર પગાર મોડો મળવાનો જ ન હતો. આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને પગારની પહોંચ એટલે કે પગાર સ્લીપ પણ આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિણામે કર્મચારીને કેટલો પગાર મળવો જોઈએ, કઈ રકમ કપાઈ અને કયા કારણોસર કપાત કરવામાં આવી તે અંગે પારદર્શિતા રહેતી નથી. કેટલાક કર્મચારીઓના પગારમાંથી નિયમસર ન હોવા છતાં રકમ કાપી લેવામાં આવતી હોવાની પણ રજૂઆત થઈ હતી.
મહાપાલિકા પોતાના ખર્ચે નહીં પરંતુ એજન્સી મારફતે કર્મચારીઓની સેવા લે છે ત્યારે કર્મચારીઓને મળવાપાત્ર પગાર અને અન્ય હકોનું પાલન થાય છે કે નહીં તેની જવાબદારી અંગે પણ સવાલ ઊભા થયા હતા. કોર્પોરેટરો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મનપાના નામે કામ કરતા કર્મચારીઓને જ જો પગાર મેળવવા માટે રાહ જોવી પડે અને પગારમાંથી મનસ્વી કપાત થતી હોય તો આ સમગ્ર વ્યવસ્થાની તપાસ જરૂરી બને છે.
આ મુદ્દે આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી કર્મચારીઓને સમયસર પગાર ચૂકવાયો છે કે નહીં, પગાર સ્લીપ આપવામાં આવે છે કે નહીં અને પગારમાં કઈ-કઈ કપાત કરવામાં આવે છે તેની ચકાસણી કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.
પીજીવીસીએલની કામગીરી સામે પણ સવાલ
સામાન્ય સભામાં શહેરમાં ભૂગર્ભ વીજ કેબલ નાખ્યા બાદ રસ્તાઓનું યોગ્ય રીતે બુરાણ ન કરવામાં આવતું હોવાનો મુદ્દો પણ ભૂપત જારીયાએ ઉઠાવ્યો હતો. કેબલ નાખ્યા બાદ રસ્તાની સ્થિતિ પૂર્વવત્ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડતી હોવાની રજૂઆત સાથે સંબંધિત તંત્ર સામે કામગીરી સુધારવાની માંગ કરવામાં આવી હતી.
સફાઈ કર્મચારીઓની અછતથી ગટર અને કચરાનો પ્રશ્ન
સફાઈના મુદ્દે જીજ્ઞેશ કૈલાએ મનપાના 13 વોર્ડમાં સફાઈ વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ હાલમાં માત્ર 305 સફાઈ કર્મચારીઓ ફરજ બજાવે છે, જેમાંથી 18 કર્મચારીઓ ખુલ્લી ગટરની સફાઈ માટે કામગીરી કરે છે. શહેરની વસ્તી અને વિસ્તારની સરખામણીએ સફાઈ કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાને કારણે અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈનો પ્રશ્ન ઊભો થતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
ખાસ કરીને વોર્ડ નં. 3, 8 અને 10માં સફાઈની કામગીરી પૂરતી ન થતી હોવાના કારણે ગટરો ઉભરાવાની અને કચરાના ઢગલા થવાની સમસ્યા અંગે રજૂઆત થઈ હતી. સોસાયટીઓમાં નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપ સાથે વધુ સફાઈ કર્મચારીઓ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી.
કચરા કલેક્શનના રૂ.40.92 લાખના બિલ સામે પણ સવાલ
કેયુર પંડ્યાએ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આશરે 88 હજાર મિલકતો માટે બે મહિનાનું રૂ.40.92 લાખનું બિલ ચૂકવાયું હોવાની વિગતો સામે આવી હતી. તેમાં બંધ મિલકતોનો પણ સમાવેશ થઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બિલમાંથી આશરે રૂ.4 લાખની કપાત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
નાની શેરીઓમાં કચરા કલેક્શનની રિક્ષાઓ પહોંચતી ન હોવા અને કચરાનું નિયમ મુજબ ચાર પ્રકારમાં વર્ગીકરણ ન થતું હોવાના સવાલો પણ ઉઠ્યા હતા. ડેપ્યુટી કમિશનરે કચરાનું વિભાજન ઘરેથી જ યોગ્ય રીતે થતું ન હોવાની વાત કરી હતી અને તેના માટે માહિતી-પ્રસારણની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
મચ્છુ નદી દસ વર્ષથી સફાઈ વિહોણી હોવાનો મુદ્દો
કેયુર પંડ્યાએ મચ્છુ નદીની સફાઈનો મુદ્દો પણ સભામાં ઉઠાવ્યો હતો. છેલ્લા દસ વર્ષથી નદીની યોગ્ય સફાઈ કરવામાં આવી ન હોવાની રજૂઆત સાથે નદીની સફાઈને પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી હતી.
મેયર ઉત્તમ સુરાણીએ આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મચ્છુ નદીની સફાઈનો મુદ્દો પ્રાથમિકતાથી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
શહેરમાં માત્ર બે સિટી બસ : ત્રીજી બસ રિપેરિંગના ખર્ચે બંધ
હિરેન કરોતરાએ સિટી બસ સેવાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યો હતો. હાલ આખા મોરબી શહેરમાં માત્ર બે સિટી બસ દોડતી હોવાનું અને બંને ગાંધી ચોકથી લજાઈ ચોકડી સુધીના માર્ગે ચાલતી હોવાનું જણાવાયું હતું. ત્રીજી બસ રિપેરિંગનો ખર્ચ વધુ હોવાથી બંધ હોવાની માહિતી આપવામાં આવી હતી.
જવાબમાં ડેપ્યુટી કમિશનરે આગામી બે-ત્રણ મહિનામાં નવી 30 બસ શરૂ કરવાનો દાવો કર્યો
ગણેશ વિસર્જનની વ્યવસ્થા સામે પણ નારાજગી
બ્રિજેશ કુંભરવાડિયાએ ગત વર્ષે ગણેશ વિસર્જન માટે શોભેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ખાતે કરાયેલી વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યો હતો. ગત વર્ષે વિસર્જન બાદની કેટલીક મૂર્તિઓ હજુ પણ ત્યાં પડેલી હોવાની રજૂઆત સાથે આ વર્ષે લોકોની આસ્થા જળવાઈ રહે તે રીતે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.
નવરાત્રી દરમિયાન જરૂરિયાત મુજબ ગરબી ચોકમાં આર.સી.સી.ના ધાબા બનાવવાની માંગ પણ ભૂપત જારીયાએ કરી હતી.
નામકરણના ઠરાવોને બહાલી
સામાન્ય સભામાં મોરબી શનાળા બાયપાસ રોડ પર ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક ઓવરબ્રિજ સુધીના માર્ગને ‘એસ.વી.એમ.એસ. સ્વામિનારાયણ માર્ગ’ નામ આપવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. રવાપર ઘુનડા રોડના સર્કલને ‘કર્તવ્ય જીવદયા કેન્દ્ર સર્કલ’ નામ આપવા બહાલી અપાઈ હતી. વોર્ડ નં.10માં ગોકુલનગર-લાયસન્સ નગર મેઈન રોડને સ્વ. ગોકળદાસ ડોસાભાઈ પરમારના સ્મરણાર્થે ‘ગોકળદાસ પરમાર રોડ’ નામ આપવાનો નિર્ણય થયો હતો. આ જ વિસ્તારમાં ગાર્ડન બનાવી સ્ટેચ્યુ મુકવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. લીલાપર તળાવનું નામ ‘શ્યામાપ્રસાદ મુખર્જી તળાવ’ રાખવાનો ઠરાવ પણ પસાર થયો હતો. મનપામાં ભળેલા નવ પંચાયત વિસ્તારો માટે મિલકત વેરાની ગણતરીમાં લોકેશન ગ્રેડ નક્કી કરવા સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને બહાલી, પંચાસર તરફના માર્ગ પર પ્રવેશદ્વાર બનાવવા મંજૂરી અને વોર્ડ નં.10ના એપોલો હોલ પાસે તથા શનાળા ગામે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
સ્વચ્છતાની વાતો વચ્ચે મેદાનમાં કોઈ ન દેખાયું
મેયર ઉત્તમ સુરાણીએ મચ્છુ નદીની સફાઈને પ્રાથમિકતા આપવાની સાથે દર મહિને એક રવિવારે 52 પદાધિકારીઓ અને અધિકારીઓને સાથે રાખી સફાઈ અભિયાન યોજવાની વાત કરી હતી. પરંતુ સ્વચ્છતા અંગેના આવા દાવાઓ વચ્ચે મોરબીમાં સ્વચ્છતા માટે છેલ્લા કેટલાક સમયથી મોરબી ક્લીન અપ ટીમ દ્વારા નિયમિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં મનપા તરફથી સહયોગ આપવાની વાત કરવામાં આવી હોવા છતાં સફાઈ અભિયાનના સ્થળે મેયર કે કોર્પોરેટરોની હાજરી જોવા ન મળ્યાનો મુદ્દો પણ ચર્ચાસ્પદ છે.
એક તરફ સામાન્ય સભામાં શહેરની સફાઈ અને કચરા વ્યવસ્થાને લઈને કોર્પોરેટરો સવાલો કરી રહ્યા છે, તો બીજી તરફ મેદાનમાં સ્વૈચ્છિક રીતે સફાઈ માટે ઉતરતી ટીમ સાથે વાસ્તવિક સહભાગિતા કેટલી છે તે સવાલ પણ ઊભો થાય છે. તેથી માત્ર દર મહિને સફાઈ અભિયાન યોજવાની જાહેરાત કરતાં શહેરમાં રોજિંદી સફાઈ, ગટર સફાઈ અને કચરા કલેક્શનની વ્યવસ્થા સુધરે તે વધુ મહત્વનું બની રહે છે.