મોરબી જિલ્લામાં એક દાયકામાં માનસિક રોગોમાં 40થી 50 ટકાના વધારો
જિલ્લામાં દર મહિને 1,500થી 2,500 કેસ સામે આવતા હોવાનો અંદાજ
(આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ રવિ બરાસરા) : મોરબી જિલ્લામાં છેલ્લા એક દાયકામાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં 40થી 50 ટકાનો વધારો થયો હોવાનો મનોચિકિત્સકોનો અંદાજ છે. સરકારી હોસ્પિટલો, માનસિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી મનોચિકિત્સકોના અંદાજ મુજબ જિલ્લામાં દર મહિને નવા દર્દીઓ તથા ફોલોઅપ સહિત 1,500થી 2,500 જેટલા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેસ સામે આવતા હોવાનું જણાવાયુ છે. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સામાન્ય તણાવ, ડિપ્રેશન, ચિંતા, અનિદ્રા તેમજ ગંભીર કિસ્સાઓમાં બાયપોલર ડિસઓર્ડર અને સ્કિઝોફ્રેનિયાનો સમાવેશ થાય છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન માનસિક રોગો વધવા પાછળ આર્થિક સંકડામણ અને ઔદ્યોગિક દબાણ, સ્માર્ટફોન તથા સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ સહિતના પરિબળો જવાબદાર રહ્યા છે.
ઉધોગ ધંધામાં ગળાકાપ હરીફાઈની સાથે કોરોના પછી કેસ વધ્યા
મોરબીમાં વર્ષ 2020 પછી કોરોના મહામારી, સ્વજનોને ગુમાવવાનું દુઃખ, ભય અને લોકડાઉનની આર્થિક અસરોને કારણે માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધુ સામે આવ્યા હતા. તેમાંય મોરબી સિરામિક ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી અહીં કામ કરતા શ્રમિકો અને વેપારીઓને લાંબા કામના કલાકો, આર્થિક અનિશ્ચિતતા અને નાણાકીય તણાવનો સામનો કરવો પડે છે. ખાસ કરી ઉધોગ ધંધામાં ગળાકાપ હરીફાઈ હોય છે. એકબીજા કરતા વધુ મોખરે રહેવામાં કોઈ કસર છોડતાં ન હોવાથી મોરબીના મોટાભાગના ઉધોગ ધંધા સાથે જોડાયેલા લોકો બિન સલામતી અનુભવે છે અને સુખચેન હરામ થઈ જાય છે. ખાસ તો ગળાકાપ હરીફાઈને કારણે માનસિક સ્વાસ્થ્ય જોખમતું હોય અનિદ્રાનો ભોગ બનતા હોય ઘણા ઉધોગ ધંધા સાથે જોડાયેલા ઉધોગકારો અને વેપારીઓને ઉધની નિયમિત લેવી પડે છે. એટલે જેની ઉધ બગડે એનું સ્વાસ્થ્ય પણ કથળે છે. માટે જ ગળાકાપ નહિ પણ તંદુરસ્ત હરીફાઈ રાખવી જોઈએ, વાત આધ્યાત્મિકતાની નથી પણ માનસિક સુખાકારી જોઈતી હોય તો નિયમિત વ્યાયામ, ધ્યાન યોગા કરવા જ પડશે.
મહિનામાં સરેરાશ 5થી 6 નવા ડિપ્રેશનના કેસ
મોરબીમાં મહીંને મારી પાસે 5થી 6 નવા ડિપ્રેશનના કેસ , 4થી5 અનિદ્રાના કેસ , 7થી 10 ચિંતારોગના કેસ ,
5 થી 7 વ્યસનના કેસ અને 2 કેસમાં આપઘાતના વિચારો આવ્યા હોય એવા દર્દીઓ આવ્યા પણ એમની યોગ્ય ચિકિત્સા અને માનસિક સ્વાસ્થ્ય કેમ રાખવું તેમજ ખાસ તો જાતને ઓળખીને ભીતરમાં અનુભવતા મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. 1થી 3 ધૂન રોગના કેસ પણ આવ્યા હતા. પણ માનસિક રોગીઓની લાગણી કે સ્વમાનને ક્યારેય ઠેસ ન પહોંચે એવું કાર્ય ન કરવું.
-ડો.ભવ્ય ભલોડિયા, મનોચિકિત્સક
-મોરબી સિવિલમાં રોજ 70 જેટલા માનસિક રોગોના કેસ આવે છે
લોકોમાં જાગૃતિ વધતાં મોરબી સિવિલની માનસિક ઓપીડીમાં દર્દીઓ સારવાર માટે આગળ આવ્યા છે.નદર વર્ષે ૧૦ ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સંકોચ દૂર કરવાનો છે.
આપણા સમાજમાં આજે પણ માનસિક બીમારીઓને કોઈ વહેમ, અંધશ્રદ્ધા કે વ્યક્તિગત નબળાઈ માનીને છુપાવવામાં આવે છે. વાસ્તવમાં જેમ ડાયાબિટીસ કે બ્લડપ્રેશર શારીરિક તકલીફ છે, તેમ મગજના રસાયણોમાં થતા ફેરફાર કે તણાવને કારણે થતી આ બીમારીઓ પણ તબીબી સારવાર અને સાયકોલોજિકલ કાઉન્સેલિંગથી નિયંત્રણમાં આવી શકે છે. હાલ મોરબી સિવિલ હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગની ઓપીડીમાં ડિપ્રેશન, સતત ચિંતા અને બેચેની, અનિદ્રા, કારણ વગરનો ગભરાટ, વારંવાર એક જ વિચાર આવવા , તેમજ મૂડ અને વર્તણૂક સંબંધિત વિવિધ સાયકિયાટ્રિક સમસ્યાઓ ધરાવતા દર્દીઓ નિયમિત સારવાર અને કાઉન્સેલિંગ મેળવી રહ્યા છે. આ સાથે માનસિક તણાવને કારણે વ્યસન તરફ વળેલા દર્દીઓ પણ યોગ્ય માર્ગદર્શન લઈ રહ્યા છે.
સૌથી મહત્વની અને હકારાત્મક બાબત એ છે કે, વિતેલા વર્ષોની સરખામણીએ હવે લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સારી જાગૃતિ આવી રહી છે. અગાઉ જ્યાં લોકો માનસિક તકલીફોને છુપાવતા કે અંધશ્રદ્ધામાં સમય ગુમાવતા હતા, તેની સામે હવે લોકો સંકોચ છોડીને જાતે સામેથી હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે. લોકોમાં વધેલી આ જાગૃતિ અને સમજણને કારણે જ દર વર્ષે ઓપીડીમાં નિદાન અને સારવાર મેળવતા દર્દીઓના પ્રમાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
જેમ શારીરિક બીમારી માટે ડૉક્ટર પાસે જવું સામાન્ય છે, તેમ મનની તકલીફ માટે પણ સમયસર સારવાર અને કાઉન્સેલિંગ મેળવવું એટલું જ જરૂરી છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં આ તમામ સેવાઓ ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ ડર વગર સમયસર ઓપીડીનો સંપર્ક કરવો હિતાવહ છે.
-ડૉ. મોના પરમાર (એમ.ડી. મનોચિકિત્સા), મોરબી સિવિલ હોસ્પિટલ, સિનિયર રેસિડેન્ટ