Thursday - May 07, 2026

સ્ત્રી સશક્તિકરણ : મોરબીની કેરાળી ગ્રામ પંચાયત પ્રથમ વખત મહિલા સમરસ

સ્ત્રી સશક્તિકરણ : મોરબીની કેરાળી ગ્રામ પંચાયત પ્રથમ વખત મહિલા સમરસ

ગામલોકોની એકતાને કારણે વર્ષ 1972 પછી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જ નથી

મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી જાહેર થયા બાદ અમુક ગ્રામ પંચાયતની ચૂંટણી બિન હરીફ જાહેર થઈ છે. ત્યારે મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ ગામલોકોએ એકમત જાહેર કરીને સ્ત્રી સશક્તિકરણની દિશામાં ઉમદા પહેલ કરી છે. જેમાં મોરબી તાલુકાની કેરાળી ગ્રામ પંચાયત પ્રથમ વખત મહિલા સમરસ જાહેર કરવામાં આવી છે. જો કે ગામમાં આમ તો સુખાકારીની તમામ સુખ સગવડો મોજુદ છે. આમ છતાં પણ ગામલોકોએ આ વખતે ગામના વિકાસને ધ્યાને લઈને મહિલાઓને ગ્રામ પંચાયતનું સુકાન સોંપ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને મોરબી તાલુકાના કેરાળી ગામના અગ્રણી અમુભાઈ હુંબલના જણાવ્યા મુજબ તેમના કેરાળી ગામમાં હાલ 1500ની આસપાસ વસ્તી છે અને તમામ જ્ઞાતિના લોકો વસે છે. આમ છતાં ગામમાં નાત જાત કે ઊંચ નીચનો કોઈ ભેદભાવ જ નથી. ગામના તમામ લોકો દ્વારા હમેશા ગામના હિતને જ ધ્યાનમાં રાખીને સામુહિક નિર્ણય લેવામાં આવે છે. આવી ગામની એકતાને કારણે તેમના ગામમાં વર્ષ 1960માં ગ્રામ પંચાયત અમલી બન્યા બાદ વર્ષ 1972 થી આજદિન સુધી એકવાર પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જ નથી. દરેક વખતે સરપંચ અને સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવે છે. ત્યારે આ વખતની કેરાળી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત જ આખી મહિલાઓની બોડીની રચના કરવામાં આવી છે અને કેરાળી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જ્યોત્સ્નાબેન વનરાજભાઈ મારુ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આવી રીતે સભ્યોમાં ગૌરીબેન રણજીતભાઈ બાલાસરા, જયશ્રીબા ગીરીરાજસિંહ જાડેજા, મધુબેન કરસનભાઈ હુંબલ, દક્ષાબેન કિરણભાઈ ડાંગર, રમાબેન જયેશભાઈ ચાવડા, ગીતાબેન દીપકભાઈ ચાવડા અને લક્ષ્મીબેન પ્રેમજીભાઈ ચાવડા પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમ આખી પંચાયત મહિલા સમરસ જાહેર કરવામાં આવી છે. ગામમાં એકતા જળવાઈ રહે અને સરકારી ગ્રાન્ટનો વધુમાં વધુ લાભ ગામને મળે તેના માટે આ ગ્રામ પંચાયતને મહિલા સમરસ કરવાના ગામના આગેવાનોના પ્રયાસો ફળીભૂત થયા છે.

ગામમાં કઈ કઈ સુવિધાઓ છે ?

કેરાળી ગામમાં મોટાભાગના રોડ પાકા, ભૂગર્ભ ગટર, નિયમિત નર્મદાનું પાણી, આંગણવાડી, ધો.1થી 8ની પ્રાથમિક શાળા સહિતની સુવિધાઓ છે. જો કે ગ્રામ પંચાયત સફાઈનો વેરો લેતી ન હોવાથી લોકો જાતે જ સફાઈ કરે છે.જ્યારે ધો.8 પછી ઉચ્ચ અભ્યાસ માટે ગામના વિદ્યાર્થીઓ મોરબી જાય છે. આ વિધાર્થીઓ માટે નિયમિત એસટી બસો આવે છે. આથી ગામમાં હાલ ગામલોકોને કોઈજાતની અગવડતા પડતી નથી.

ગામના વિકાસને વધુ પ્રાધાન્ય અપાશે : મહિલા સરપંચ

કેરાળી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જ્યોત્સનાબેન વનરાજભાઈ મારુ ધો.10 સુધી ભણેલા છે.તેમજ 38 વર્ષના છે. અને સભ્ય મધુબેન પણ ધો.10 પાસ છે. આ રીતે આ નવ નિયુક્તિ મહિલા બોડી ભલે ભણેલું ઓછી હોય પણ અનુભવે કાબેલ છે. એટલે જ ગામલોકોએ આ મહિલાઓમાં વિશ્વાસ મુક્યો છે. આથી આ મહિલા સરપંચ અને તેમની આખી મહિલા બોડીએ ગામલોકોના વિશ્વાસને ઉની આંચ નહિ આવવા દે અને ઘટતી સુવિધા પૂરી કરવા અને ગામના વિકાસમાં જ પાંચ વર્ષ સુધી ધ્યાન આપશે તેવું જણાવ્યું છે.