ડેમ ભરાતા મોરબીની પાણીની સમસ્યા અને સિંચાઈની સમસ્યા એકઝાટકે હલ થઈ
મોરબી : સમગ્ર મોરબીવાસીઓ છેલ્લા 24 કલાકથી જેની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ગતરાત્રે જ ઓવરફ્લો થયાના ખુશીના સમાચાર વહેતા થતા મોરબીવાસીઓ સહિતના ખેડૂતો પણ આનંદથી ઝૂમી ઉઠ્યા છે. કારણ કે મચ્છુ ડેમ ભરાવવાથી મોરબી પરથી જળ સંકટ દૂર થયું છે. તેમજ આ ડેમમાંથી સિંચાઈ માટે મચ્છુ કેનાલ મારફત પાણી છોડાતું હોવાથી આગામી રવિ પાક માટે સિંચાઇની સમસ્યા પણ હલ થઈ છે અને મચ્છુ -2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે.
આથી મોરબી મધ્યે નીકળતી મચ્છુ નદીમાં નવા નીરના ઉછળતા મોજા સાથે વહેતા જળરાશિનો વૈભવ નિહાળવા લોકો ઉમટી પડ્યા છે. જો કે, મેં મહિનામાં આ ડેમના 33 ગેઇટ બદલવાની કામગીરીને કારણે ડેમ ખાલી કરવામાં આવ્યો હતો. બાદ આ કામગીરી પૂર્ણ થતાં જૂન મહિનામાં પહેલા વરસાદમાં ડેમ ભરવાનું ચાલુ કરતા ઓગસ્ટના અંત સુધીમાં ડેમ 62 ટકા ભરાયો હતો. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે અને વાંકાનેરનો મહાકાય મચ્છુ-1 ડેમ ભરાત પાણી આવક સતત વધતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ રાત્રીના સમયે ઓવરફ્લો થતા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે સવારે નવા નીરના વધામણાં કર્યા હતા અને આગામી સમયમાં પાણી વિતરણના પ્રશ્નો દૂર કરવાનું જણાવ્યું હતું.