પરશુરામ પોટરીના સર્જક પરશુરામ ગણપુલેએ 1935માં સૌપ્રથમ વખત ગણેશ મહોત્સવની શરૂઆત કરેલી
(રવિ બરાસરા) મોરબી : સીરામીક સીટી તરીકે જગ વિખ્યાત મોરબીની નવી પેઢીને કદાચ ખબર પણ નહીં હોય કે, મોબાઈલ કે ટેકનોલોજીનો આવિષ્કાર થયો પણ નહોતો ત્યારે પણ મોરબીમાં એવો ભવ્ય રીતે ગણેશ મહોત્સવ ઉજવાતો કે આખું શહેર ઉપરાંત આજુબાજુ ગામના લાખો લોકો દસ દિવસ સુધી ભક્તિ સાથે મોડી રાત સુધી લોકરંજનના વિવિધ કાર્યક્રમો મનભરીને માણતા હતા. મોરબીમાં સૌપ્રથમ ગણપતિ મહોત્સવ શરૂ કરનાર મહારાષ્ટિયન પરશુરામ ગણપુલેના ચોથી પેઢીના વારસદાર રોહિતભાઈ અશોકભાઈ ગણપુલે અને પ્રસાદભાઈ અચુતભાઈ ગણપુલેએ જણાવ્યું હતું કે તેમના પરદાદાએ શહેરના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન સામે વિશાળ જગ્યામાં પરશુરામ પોટરી કંપનીનો 1928માં પાયો નાખ્યા બાદ મોરબીમાં સૌપ્રથમ 1935માં ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. આ સાર્વજનિક ગણેશ મહોત્સવ શરૂ કરી આ મહોત્સવનો હજારો લોકો લાભ લઈ શકે તે માટે વિશાળ મેદાન, વિવિધ કાર્યક્રમ માટેનું ભવ્ય સ્ટેજ, ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપનાનો અલાયદો પૂજા માટેનો રૂમ, ફિલ્મ પડદો, રમત ગમતના સાધનો સહિતની સુવિધાઓ ઉભી કરી તેમના પછી બીજી, ત્રીજી પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી વર્ષોવર્ષ એવું ભવ્ય આયોજન કરાતું કે આજે પણ જૂની પેઢીના લોકો કહે છે કે, ભલે એ જમાનામાં મોબાઈલ, ઈન્ટરનેટ જેવી ટેકનોલોજી ન હતી. છતાં પણ સભ્ય સમાજ પરિવાર સાથે માણી શકે એવા રંગારંગ કાર્યક્રમો યોજાતા અને તેવા મનને સાચો આનંદ આપે તેવા રંગારંગ કાર્યક્રમો આજના ભવ્ય લાઈટ ડેકોરેશન અને ઝાકમઝોળ સાથેના ગણેશ મહોત્સવમાં યોજાતા જ નથી.
ફિલ્મો, નાટકો, લોકડાયરો, ભજન સહિતના કાર્યકમોની ભરમાર
પરશુરામ કપનીનો પોતાનો પ્રિંટીંગ પ્રેસ હોવાથી એમાંથી ગણેશ મહોત્સવના દસ દિવસના કાર્યકમોની યાદીની પત્રિકા છપાતી, મહોત્સવ દરમિયાન લોકો મનોરંજન સાથે સમાજમાં સારા સંદેશ જાય એવી બે ફિલ્મો તેમજ વચ્ચે દારૂબંધીની ડોક્યુમેન્ટરી થોયેટરની જેમ જ પડદો પાડી રીલ સાથે કંપનીના જ વિશાળ મેદાનમાં દર્શાવતા, આ ઉપરાંત મુંબઈ તેમજ અમદાવાદ જેવા મોટા શહેરમાં ગુજરાતી રંગપંચના જાણીતા કલાકારો બોલાવી સારા નાટકો, પ્રાચીન ભજનો, મોટા કલાકારોનો લોકડાયરો, હિન્દી ગુજરાતી ફિલ્મી અભિનેતાઓ સાથેની ધમાકેદાર મ્યુઝિકલ નાઈટ જોઈને એ સમયની મોરબીની આખી જનતાને જલસો પડી જતો.
-નરસીભાઈ ભંખોડીયા (જૂની પેઢીના વડીલ)
હવે ભક્તિ કરતા દેખાડો વધુ
દસ દિવસના ગણેશોત્સવમાં રાત્રે રંગારંગ કાર્યકમો અને દિવસે શાળાના બાળકો તેમજ યુવાનો સહિત તમામ લોકો માટે લિબુ ચમચી, 100 મીટર દોડ, કોથડા દોડ, સ્લો સાયકલિંગ જેવી સ્પર્ધા ભારે જમાવટ કરતી. અમારા એ જમાનામાં મહત્વની વાત એ હતી કે લાખો લોકો ઉમટી પડતા હોય એની વ્યવસ્થાથી માંડીને સંચાલન શ્રમજીવીથી માંડીને કર્મચારીઓ સ્વંય જ ઉઠાવી લેતા, પણ હવે ભવ્ય આયોજન થાય છે છતાં પણ ભક્તિ, સાદગી કરતા દેખાડો વધુ જોવા મળે છે.ભીતરમાં આનંદ મળે તેવું લોકરંજન જેવું કશું જ હોતું નથી.
- વસંતભાઈ સોલંકી ( વડીલ)
પરશુરામ પોટરીનો ગણેશ મહોત્સવ યાદગાર નહિ, ઐતિહાસિક
મેં નાનપણથી યુવાન સુધી પરશુરામ પોટરીનો ગણેશ મહોત્સવ મન ભરીને માણ્યો હતો. અત્યારના ગણેશ ઉત્સવમાં ભલે ઝાકમઝોળ વધુ રહી પણ પરશુરામ પોટરીના ટેકનોલોજી વગરના ભવ્ય ગણેશ મહોત્સવની તુલનાએ અત્યારના એકેય મહોત્સવ ન આવે. કારણ કે, એ વખતનો ગણેશ મહોત્સવ માત્ર પરશુરામ કંપનીનો જ નહીં પણ મોરબી શહેરની યાદગાર ઓળખ જેવો બની ગયો હતો. એટલે આ ગણેશ મહોત્સવ યાદગાર જ નહીં ઐતિહાસિક છે
-રાઘવજીભાઈ પરમાર, માજી સૈનિકે
આજે કોરોડોનો ખર્ચ કરીએ તો પણ તે સમય જેવો આનંદ ન આવે
70થી 90ના સુધીના મારા નાનપણથી પરિપક્વતા વચ્ચેના સમયગાળાના પરશુરામ પોટરીના ગણેશ મહોત્સવથી ભીતરમાં પરમ આનંદ આવતો, જે આજીવન અવિસ્મરણીય રહેશે. જેમાં ખાસ નાનપણમાં મિત્રો સાથે જોવા આવતા અને પહેલા ગણેશજીની આરતીમાં પૂજા કરતા બાદ 10 વાગ્યાથી વિશાળ ગ્રાઉન્ડમાં લોકરંજનના કાર્યક્રમો શરૂ થાય એટલે મોટી ભીડ વચ્ચે બેસવા માટે જગ્યા પડાપડી થતી, ઘરેથી માતાપિતાએ આપેલા પૈસાથી એ સમયે મેદાનમાં ઉભી રહેતી શિંગ રેવડી મગફળી, બ્રેડ બટેટા, સહિતના નાસ્તાની લિજ્જત માણતા, ખાસ તો ફિલ્મ જામી હોય ત્યારે વરસાદનું વિઘ્ન આવે તો થોડીવાર ભાગાભાગી થઈ પડતી. પરંતુ થોડીવાર વરસાદ રહી જાય તો ફરીથી કાર્યકમો શરૂ થતાં, બાર એક વાગ્યા સુધી આનંદ માણતા, આજે કોરોડોનો ખર્ચ કરીએ તો પણ તે સમય જેવો આનંદ ન જ આવે.
- ખીમજીભાઈ ચાવડા ( વડીલ)