મોરબીમાં મનપાના સ્વચ્છતા અભિયાનનો ફજેતો થયો
નહેરુ ગેઇટથી ગ્રીનચોક વિસ્તાર સ્વચ્છ હોવા છતાં મનપાએ સ્વચ્છતા અભિયાન માટે પસંદ કરતા ખૂબ જ ઓછો કચરો નીકળ્યો, અંદરની શેરી ગલીની ગંદકી ઉપર નજર સુધ્ધાં નખાઈ નહિ
મોરબી : મોરબીમાં વર્ષોથી સફાઈના અભાવનો પ્રશ્ન સળગતો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની હોવા છતાં શહેરમાંથી ગંદકી નાબૂદ થઈ નથી. ઠેરઠેર કચરાના ગંજથી મનપાની રાત્રી સફાઈ કામગીરી સામે ગંભીર સવાલો ઉઠે છે. આથી આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે મનપાએ મોરબીને સ્વચ્છ સુંદર બનાવવા જોશભેર ઝુંબેશ ઉપાડી છે. પણ આ સફાઈ ઝુંબેશ નર્યો દેખાડો હોવાનું પુરવાર થયું હતું. આજે મનપાએ નહેરુ ગેઇટથી ગ્રીનચોક વિસ્તાર સ્વચ્છ હોવા છતાં આ વિસ્તારને સફાઈ અભિયાનમાં આવરી લઈને સફાઈ કર્યાનો ત્રાગડો રચ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા દર ગુરુવારે મોરબી શહેરને એકદમ સ્વચ્છ બનાવવા માટે તમામ અગ્રણીઓ અને શહેરીજનોના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. જો કે આ મનપાના સ્વચ્છતા અભિયાન સામે ગંભીર સવાલો ઉઠે છે. દર ગુરુવારે મનપા જે તે વિસ્તારને પસંદ કરી જે રીતે ઉપરછલલી સફાઈ કરે છે તે જોતા આ સ્વચ્છતા અભિયાન નર્યું તુર્ત હોવાનું ચિત્ર ઉપસ્યું છે. પણ આજે તો મહાનગરપાલિકાના સત્તાધીશોએ હદ કરી નાખી હતી. મહાનગરપાલિકાએ આજે ગુરુવારે સ્વચ્છતા અભિયાન માટે શહેરના હૃદય સમાન નહેરુ ગેઇટથી ગ્રીનચોક વિસ્તારને પસંદ કર્યો હતો. પણ આ વિસ્તારનો રોડ જ્યાં સફાઈ કરવાની હતી ત્યાં રોજ સફાઈ થાય છે. આથી મનપાના સ્વચ્છતા અભિયાનનો ફજેતો થયો હતો.જેમાં મનપાના સ્વચ્છતા અભિયાનમાં કમિશનર સહિતનો સ્ટાફ, અગ્રણીઓ અને સ્થાનિક વેપારીઓ તેમજ નાગરિકો જોડાયા હતા. આ તમામ લોકો સ્વચ્છ રહેલા માર્ગને સ્વચ્છ કરવા હાથમાં સાવરણા લઈને મંડી પડ્યા હતા. પરિણામે ખૂબ ઓછો કચરો નીકળતા થોડી જ મિનિટોમાં સ્વચ્છતા અભિયાન પૂરું થઈ ગયું હતું. સતાધીશોએ પણ ફોટો સેશન કરાવીને ચાલતી પકડી હતી. હકીકતમાં નહેરુ ગેઇટથી ગ્રીનચોક વચ્ચે અંદર અનેક શેરી ગલીઓ આવેલી છે. આ શેરી ગલીઓમાં ભાગ્યે જ સફાઈ થાય છે. કચરા અને ગંદકીના ગંજ ખડકાયા છે.તેથી આજે જો મનપાએ આ વિસ્તારને સ્વચ્છતા અભિયાનમાં આવરી લીધો હોય તો મનપાએ સૌના સહયોગથી અંદરની શેરી ગલીમાં સફાઈ કરવાની જરૂર હતી. પણ મનપાએ અંદરની શેરી ગલીના કચરાના ગંજ ઉપર નજર સુધ્ધાં નાખી ન હતી. આવી જ રીતે મનપા દર ગુરુવારે જે જે વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવે છે. ત્યાં મુખ્ય રોડની ઉપરછલલી સફાઈ કરે છે.અંદરના વિસ્તારોમા સફાઈ કરાતી જ નથી. આવી રીતે તંત્ર સફાઈ અભિયનના નામે ઢોગ કરતા ઘણા બધા વિસ્તારોમાં ગંદકી વકરી છે.