10 યુવાનોએ 2018માં પોતાના ખિસ્સા ખર્ચાથી શરૂ કરેલું કર્તવ્ય જીવદયા કેન્દ્ર હવે વટવૃક્ષ બનતા 9 ડોકટરો, લેબોરેટરી, એકસ રે, ઓપરેશન થિયેટર, મેડિકલ રૂમ, ફિઝિયોથેરાપી, ત્રણ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ
(રવિ બરાસરા) : એક હાથે દાન કરીએ તો બીજા હાથને ખબર પણ ન પડે એ રીતે જ સેવા કરતા મોરબીના યુવાનોની પશુ પક્ષીઓની સેવા કરવાની કર્તવ્ય નિષ્ઠા સામે આવી છે. મોરબીમાં રહેતા વીશું પટેલ, જય બરાસરા,પાર્થિક કોટક, દીપ મેરજા, ધ્રુવ કોરિંગા, જાગૃતભાઈ શેરસીયા, યશ રંગપરિયા, મિત મેરજા સહિતના 10 જેટલા યુવાનો દસેક વર્ષથી અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે આવડા મોટા સીરામીક સીટીમાં પશુ, પંખીઓ સહિતની જીવોની માટે વિનામૂલ્યે સારવાર થઈ શકે એવી કોઈ ડોકટરો અને સાધનો સાથે મલ્ટી સ્પેશિયલિસ્ટ સુવિધા ન હોવાથી પશુ પંખી સહિતના જીવોની સારવાર અને સેવા કરવા માટે 2018માં કર્તવ્ય જીવદયા કેન્દ્રની સ્થાપના કરી હતી. શરૂઆતમાં આ બધા યુવાનો દર મહિને 300 રૂપિયા કાઢી પોતાના ખર્ચે ડોકટરોને બોલાવી પશુ, પંખીઓ સહિતના અબોલ જીવોની સારવાર કરતા અને પછી તો આ યુવાનોએ માત્ર પશુ પંક્ષીઓની વિનામૂલ્યે સેવાનું પોતાનું લક્ષ્ય બનાવી દેતા હવે કર્તવ્ય જીવ દયા કેન્દ્ર વટવૃક્ષ બની ગયું છે અને કર્તવ્ય નામ પ્રમાણે જ યુવાનોએ કર્તવ્ય નિષ્ઠા નિભાવીને રોજના પશુઓ, પંખીઓની સેવાના બિન વારસુ વધુ કેસ આવતા હોવાથી ધીરેધીરે રવાપર ઘુંનડા રોડ ઉપર બે વિઘાની વિશાળ જગ્યામાં પશુ પંખીની ચિકિત્સાનું મોટું કેન્દ્ર બનાવી તેમાં 9 જેટલા ડોકટર તેમજ અન્ય સ્ટાફ, લેબોરેટરી, એકસ રે, ઓપરેશન થિયેટર, મેડિકલ રૂમ, ફિઝિયોથેરાપી, ત્રણ પશુ હેલ્પલાઇન એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરી છે. હવે રોજ રખડતા ભટકતા બીમાર કે ઘાયલ 50થી વધુ પશુઓ એનિમલ હેલ્પલાઇનથી અહીં લઈ આવી તજજ્ઞ પશુ ડોકટર દ્વારા સારવાર અને જરૂર પડ્યે ઓપરેશન કરવામાં આવે છે. આ રીતે 7 વર્ષમાં પશુ હેલ્પલાઇન દ્વારા સ્થળ પર જઈને સાત વર્ષમાં 80 હજાર જેટલા પશુ,પંખી સહિત અબોલ જીવોની યોગ્ય સારવાર કરી છે.
ઢોલત્રાંસા વગાડી,પ્રસંગોપાત આવતા દાનથી કરાતી સેવા
જે ઉંમરે ભણવાની સાથે મોજ મસ્તીના સાગરમાં ડૂબકી લગાવતા હોય એ ઉંમર એટલે 18થી 25 વર્ષની ઉંમરના આ યુવાનોમાં જીવદયા પ્રેમ એટલો બધો છે કે કોઈપણ શરમ સંકોચ વગર પશુઓની સારવારનો ખર્ચ કાઢવા કોઈપણ પ્રસંગમાં ઢોલ ત્રાંસા વગાડવા જાય છે. એટલે ક્યારેય પશુઓની સેવા માટે ક્યાંય હાથ લાંબો કરવો પડતો નથી. પણ યુવાનોની આ સેવા અને લગન જોઈને ખમતીધર હોય કે સામાન્ય દરેક લોકો તિથિઓ સહિત પ્રસંગોપાત યથા યોગ્ય ઉદાર હાથે દાન આપે છે. એટલે પશુ, પક્ષીઓની સેવા માટે ઓપરેશન થિયેટર, લેબોરેટરી સહિતની અદ્યતન ટેકનોલોજીની સુવિધા વસાવવાની સાથે 9 ડોકટરો અને સ્ટાફને પગાર ચૂકવે છે.
મકરસંક્રાતિએ એક હજાર જેટલા પક્ષીઓ બચાવ્યા
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દરરોજ પશુઓ ઉપરાંત પક્ષીઓની પણ સેવા કરવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા દર ઉતરાયણે આઠ સ્થળે પતંગની કાતિલ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે સારવાર કેમ્પ રાખવામાં આવે છે અને ઘાયલ બધા પક્ષીઓને ભેગા કરી લઈ જઈને રવાપર રોડ પાસે પશુ ચિકિત્સકોની મદદથી સારવાર કરીને નવજીવન આપવામાં આવે છે. દર મકરસંક્રાંતિએ સરેરાશ 100, 150ની આસપાસ ઘાયલ પક્ષીઓ સારવાર માટે આવતા હોય અત્યાર સુધીમાં 1 હજાર જેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.
આગામી સમયમાં નંદીઘર બનાવવામાં આવશે
કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં નામી અનામી અનેક સેવા આપે છે. પણ સક્રિય રીતે 50 જેટલા યુવાનો સેવા આપે છે. આ નાના પ્રાણીઓ માટે જે રીતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ સેટઅપ ઉભું કર્યું એ જ રીતે હવે આગામી સમયમાં શહેરમાં રખડતા ઢોર જેવા ખાસ નંદીઓ માટે નંદીઘર બનાવનું પ્લાનિગ છે. પણ આ નંદીઘર પ્રોજેકટને સાકાર થતા ત્રણ ચાર વર્ષનો સમય લાગશે.