સાબરમતી આશ્રમથી શરૂ થયેલી ગુજરાતના 34 જિલ્લાની એક માસની જાગૃતિ યાત્રાનું સ્વામિનારાયણ મંદિરે અભિવાદન, રક્તદાન કરનારા સેવકોનું સન્માન અને બાઈક રાઈડરોને રૂ. એક લાખની સહાય અર્પણ
મોરબી : રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવા, માર્ગ સુરક્ષા અને ટ્રાફિક શિસ્તનો સંદેશ પહોંચાડવા તેમજ થેલેસેમિયા, સિકલ સેલ અને બ્લડ ગ્રુપ અંગે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી રક્તસેવક બાઈક રાઈડનું મોરબીમાં આગમન થયું હતું. ‘હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સૂત્ર સાથે નીકળેલી આ રાઈડનું મોડી સાંજે જી.આઈ.ડી.સી. શનાળા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન ક્ષેત્રે યોગદાન આપનારા રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં વિવિધ બીમારીઓ તેમજ માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને સમયસર રક્તની જરૂરિયાત ઊભી થાય છે. આવી સ્થિતિમાં રક્તની ઉપલબ્ધતા વધે અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવે તે હેતુથી ડો. મનીષકુમાર વિડજા (પ્રેસિડેન્ટ, બ્લડ બેંક ગુજરાત), અમદાવાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢની લાઈફલાઈન બ્લડ બેંકના ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ વાઘેલા તથા 122 વખત રક્તદાન કરી ચૂકેલા ધર્મેન્દ્રભાઈ પટેલ બાઈક પર જાગૃતિ યાત્રાએ નીકળ્યા છે.
ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પહેલી ઓક્ટોબરે સાબરમતી આશ્રમ ખાતેથી આ રાઈડને પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી ઓક્ટોબરે મોરબી પહોંચેલી રાઈડની શરૂઆત સમર્પણ હોસ્પિટલથી થઈ હતી. ત્યારબાદ શહેરના રાજમાર્ગો પર ફરીને રક્તદાન, માર્ગ અકસ્માત નિવારણ, ટ્રાફિક નિયમોનું પાલન અને દરેક વ્યક્તિ પોતાના બ્લડ ગ્રુપ વિશે જાણે તેવા સંદેશ સાથે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
મંદિર ખાતે યોજાયેલા સ્વાગત સમારોહમાં પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પુરાણી સ્વામી, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાંબા સમયથી રક્તદાનની સેવા સાથે જોડાયેલા વિપુલભાઈ પડસુંબિયા, કાંતિલાલ વૈષ્ણવ, મેઘજીભાઈ પરમાર, મનુભાઈ જાકાસણીયા, મહાદેવભાઈ રંગપડિયા અને રાવતભાઈ કાનગડનું સન્માન કરવામાં આવ્યું હતું.
બાઈક રાઈડના પ્રણેતા ડો. મનીષ વિડજાએ રક્તની જરૂરિયાત અને તેની ઉપલબ્ધતા વચ્ચેનું અંતર ઘટાડવા માટે વિવિધ ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ રક્તસેવકોના પ્રયાસોને બિરદાવી આ અભિયાનમાં પોતાનાથી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
સંસ્કાર બ્લડ સેન્ટરના મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામીએ બાઈક રાઈડરોને આશીર્વચન પાઠવી અભિયાનના ખર્ચ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે રૂ. એક લાખની ધનરાશી અર્પણ કરી હતી.
આ બાઈક રાઈડ ગુજરાતના 34 જિલ્લામાં સતત એક મહિના સુધી જનજાગૃતિ ફેલાવશે અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્ણ થશે. કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનની જવાબદારી પુરાણી સ્વામી તથા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર બ્લડ બેંકના કન્વીનર રમેશભાઈ મકાસણાએ સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા હરિભક્તો અને સેવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી.