Sunday - Apr 26, 2026

દિવાળીમાં ફટાકડાને કારણે સાસુની સાડી પાછળથી સળગી ઉઠતા વહુએ તરત જ બાથરૂમમાં લઇ જઇ બચાવી લીધા

દિવાળીમાં ફટાકડાને કારણે સાસુની સાડી પાછળથી સળગી ઉઠતા વહુએ તરત જ બાથરૂમમાં લઇ જઇ બચાવી લીધા

સાસુ-વહુઓ વચ્ચના ઝઘડા-,કજિયા વિશે આપણે ત્યાં વર્ષોથી એક કહેવત પ્રચલિત છે કે, ઘેર ઘેર માટીના ચૂલા. એટલે એકેય ઘર એવું નહિ હોય કે જ્યાં સાસુ વહુઓ વચ્ચે કંકાસ નહિ હોય, આવું હોય તો એ ઘર સ્વર્ગ કહેવાશે. આવું જ એક ઘર મોરબીમાં જોવા મળ્યું છે. જેમાં મોરબીના સામાકાંઠે કલેકટર કચેરી રોડ અંદર આવેલ સોઓરડી અંદરના ચામુંડાનગરમાં રહેતા 55 વર્ષીય લક્ષ્મીબેન ખીમજીભાઈ ચાવડાએ પોતાના બે દીકરાને પરણાવ્યાં બાદ આજ સુધીમાં કોઈ દિવસ પણ બન્ને પુત્રવધુઓને સાસુ તરીકેની જોહુકમી કરી જ નથી. માત્ર એક માતા તરીકે જ બન્ને પુત્રવધુઓને ભરપૂર સ્નેહ આપ્યો છે અને આ સ્નેહને કારણે જ બન્ને પુત્રવધુઓએ મને બીજું જીવન આપ્યું છે.

લક્ષ્મીબેન ખીમજીભાઈ ચાવડાને એમના જીવ ઉપર આવેલી આફતના સંકટને યાદ કરતા ગળે ડૂમો બાઝી જાય છે. પણ એમની જિંદગી એમની બન્ને પુત્રવધુઓને કારણે બચી ગઈ હોવાના સંસ્મરણો તાજા થતાં જિંદગીના સંકટનો હૃદયમાં છવાયેલો ગમ એમની આંખમાંથી હર્ષની ખુશી રૂપે બહાર આવે છે. તેઓ એ આઘાતજનક ઘટના યાદ કરતા કહે છે કે, વર્ષ 2021ની દિવાળીના આગલા દિવસે એટલે કાળી ચૌદશે રાત્રે ઘરના દરવાજા પાસે તેમના ભત્રીજા સાથે દિવાળીની ખુશીની વાત કરતા હતા. ત્યારે તેમને ક્યાં ખબર હતી કે, એ ખુશી ક્ષણભરમાં આફતની જેમ તૂટી પડશે. બન્યું એવું કે, નાના નાના ટાબરીયાઓ કોઈપણ જાતના મોત બૉમ્બ નહીં પણ નાના એટલે ફુલઝર અને ભો ચકર સળગાવતા હતા. એમાં ભોચકર સળગતા કોઈએ એ ભોચક્કરને ઠેબુ મારતા લક્ષ્મીબેનની પાછળ પહોંચતા એમની સાડી પાછળથી સળગી ઉઠી અને સાડી સળગી ઉઠતા મોટી જ્વાળા થઈ જો કે આની તેઓને કે તેમના ભત્રીજાને જાણ ન હતી. પણ લક્ષ્મીબેનની પાછળ અંદરના ઘરમાંથી પુત્રવધુ રિદ્ધિબેન જીતેન્દ્રભાઈ ચાવડા આવી જતા તેમણે તુરત જ સકગતા સાસુને જીવન જોખને બાજુના બાથરૂમ લઈ જઈ શાવર ચાલુ કરી દીધું હતું. ત્યાંજ બીજા પુત્રવધુ જિજ્ઞાબેન મયુરભાઈ ચાવડા આવી જતા બન્ને પુત્રવધુઓએ બધું પાણી રેડી દેતા આગ આખી બુઝાવી નાખીને જીવ બચાવી લીધો હતો. જો કે થોડા ઘણા દાઝી ગયા હોવાથી થોડા દિવસો સુધી સારવાર લેવા પડી હતી. પણ જ્યારે જ્યારે એ હૃદયદ્રાવક ઘટના યાદ આવે ત્યારે આ સાસુ બન્ને પુત્રવધુઓને ગળે લગાડીને ચોધાર અસુએ રડી પડીને કહે છે કે, મેં આગલા જન્મમાં કોઈ મોટું પુણ્ય કર્યું હશે એના ફળરૂપે મને આવી દિકરુથી પણ વ્હાલી પુત્રવધુઓ મળી છે. સામે પુત્રવધુઓ પણ કહે છે કે, કોઈ સાસુ કે સસરા ખરાબ હોતા નથી એમના મનમાં આપણા પ્રત્યેના પૂર્વગ્રહો અને વિચારો તેમજ ઈગો આપણને સાસુ વહુને બદલે માં દીકરીના આત્મીય સંબંધોમાં રૂપાંતરિત થતા અટકાવે છે.