મોરબી જિલ્લામાં તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તિરંગા યાત્રા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઉપરાંત તિરંગા માટે બલિદાન આપનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અપાશે. સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની પૂર્વે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જે અન્વયે ગુજરાત રાજ્યમાં પણ દેશને સ્વતંત્રતા અપાવનાર સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને યાદ કરવા, લોકોમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને તિરંગા પ્રત્યે લોકોની આત્મીયતા વધુ સુદ્રઢ્ય બને તે હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ઉજવવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉમંગભેર ઉજવણી થાય તેવા હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે સહિયારું આયોજન કરી વિવિધ કાર્યક્રમોના આયોજન થકી ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે.