લીલાપર ચોકડીએ અંદાજે 1800 લોકોની સહી સાથે સમર્થન મેળવી મુખ્યમંત્રીને આવેદન મોકલાશે
મોરબી : મોરબીમાં લીલાપર સ્મશાનથી ભડિયાદ સુધીનો બ્રિજ બનાવવા કોંગ્રેસે આજે લડત ચલાવી હતી અને કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો લીલાપર ચોકડીએ આવીને રસ્તા પર નીકળતા આશરે 1800 લોકોની સહી સાથે સમર્થન મેળવ્યું હતું. આ લોકોના સહીના સમર્થન સાથે બ્રિજ બનાવવાનું આવેદન મુખ્યમંત્રીને મોકલાશે.
મોરબીમાં વીસીપરાથી વેજીટેબલ રોડને જોડતો મચ્છુ નદી ઉપરનો બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે. પરંતુ પહેલા લીલાપર ઇલેક્ટ્રિક સ્મશાનથી મોરબીના સામાકાંઠે ભડિયાદ સુધીનો બ્રિજ તાત્કાલિક બનાવવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી કરીને ભારે લડત ચલાવવામાં આવી છે. જેમાં મોરબીના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો લીલાપર ઇલેક્ટ્રિક સ્મશાનથી મોરબીના સામાકાંઠે ભડિયાદ સુધીનો બ્રિજ બનાવવા માટે લોકોનું સમર્થન મેળવવા રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા આજે સવારે લીલાપર ચોકડી પાસે ઉભા રહીને સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ અંદાજે 1800 લોકોની સહી લઈને આ બ્રિજ બનાવવા માટે લોક સમર્થન સાથે આવેદન મુખ્યમંત્રીને આપવામાં આવશે.