મોરબી : મોરબીમાં અવાર નવાર રીક્ષામાં બેસાડી પસેન્જરના સ્વાંગમા ગઠિયા ગેંગ લોકોને શિકાર બનાવી રહી છે ત્યારે નવ દિવસ પૂર્વે બનેલ આવી જ એક ઘટનામાં જીઆઇડીસીથી નવા બસસ્ટેન્ડ સુધીમાં એક શ્રમિકના ખિસ્સામાંથી 12 હજાર રૂપિયા સેરવી લેવામાં આવતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે. ગુન્હો દાખલ થતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું મનાય રહ્યું છે.
મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસે ગત તા.7ના રોજ રીક્ષામાં બેઠેલા ફરિયાદી કાળુભાઇ મનજીભાઈ ડામોર ઉ.60 નામના વૃદ્ધના ખીસ્સામાંથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા અન્ય બે શખ્સોએ રોકડા રૂપિયા 12 હજાર સેરવી લેતા સીએનજી રીક્ષા ચાલક તેમજ અન્ય બે અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જો કે, નવ દિવસ પૂર્વે બનેલ ઘટના અંગે ફરિયાદ નોંધાતા આરોપીઓ હાથવેંતમાં હોવાના સંકેત મળી રહ્યા છે.