Sunday - May 03, 2026

મોરબીના વજેપરના જમીન કૌભાંડમાં અન્ય આરોપીઓને રદ કર્યાની કલેક્ટરને રજુઆત

મોરબીના વજેપરના જમીન કૌભાંડમાં અન્ય આરોપીઓને રદ કર્યાની કલેક્ટરને રજુઆત

મોરબીના વજેપરના જમીન કૌભાંડમાં અન્ય આરોપીઓને રદ કર્યાની કલેક્ટરને રજુઆત


મોરબી : મોરબીના વજેપરમાં કરોડોની કિંમતની જમીનના કૌભાંડમાં અન્ય આરોપીઓના નામ રદ કરી નાખવામાં આવ્યા હોય ઉપરાંત 10 દિવસમાં કોઈ ઠોસ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂત પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. આ સમયે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઇ સોમાણી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાની ઉપસ્થિતિમાં કલેક્ટરને વિગતવાર રજૂઆત કરાતા કલેકટર દ્વારા કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.

ખેડૂત બેચરભાઈ ડુંગરભાઈ નકુમની મોરબીના વજેપરમાં સર્વે નંબર 602ની 1 હેકટર 57 આરે અને 83 ચોરસમીટર જમીન હડપ કરી વેચાણ કરી નાખવાના પ્રકરણમાં આરોપીઓએ ખોટા મરણના દાખલા, ખોટા વારસાઈ આંબા કઢાવી બાદમાં દસ્તાવેજ કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી શાંતાબેન મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી અને આરોપી સાગર અંબારામભાઈ ફુલતરિયા રહે.તરઘરી, માળીયા મિયાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં જે કાર્યવાહી થઈ છે તેનાથી ખેડૂત પરિવાર દ્વારા અસંતોષ વ્યક્ત કરવાની સાથે આજે કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખેડૂત પરિવારે 17 આરોપીઓ સાથેની અરજી આપેલી છે. જયારે ફરિયાદ માત્ર બે જ આરોપી વિરૂદ્ધ લેવામાં આવી હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ મામલે નકુમ દિનેશભાઇ હિરાભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું કે મોરબીમાં સર્વે નં.602 વજેપર ખાતામાં જે જમીન આવેલી છે તેમાં અમુક લોકોએ ખોટા ડોક્યુમેન્ટ, મરણના દાખલા વારસાઈ આંબો તૈયાર કરી જમીન ઉપર કૌભાંડ આચર્યું છે. ફરિયાદ આપેલી છે તેને 8થી 10 દિવસ થયા છે છતાં કોઈ જવાબ મળ્યો નથી. એફઆઈઆર કરવા ગયા હતા ત્યારે 4થી 6 કલાક બેઠા ત્યારે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી છે. સંતોષપુર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી. અમે બધાના નામ સહિત અરજી આપી હતી પણ એ અરજી સ્વીકારવામાં ન આવી. પોલીસ દ્વારા આ ન ચાલે તેમ કહેવામાં આવ્યું હતું. આ વ્યક્તિનો કોઈ રોલ નથી એવું કહેવામાં આવ્યું. તપાસ વગર કેમ ખબર પડી ગઈ કે કોનો રોલ છે કોનો નહિ. અમે કલેકટર, પોલીસ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી બધાને રજુઆત કરી છે. જેટલા વ્યક્તિ સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમારી જમીનની વારસાઈ નોંધ કરી પરત અપાવવામાં આવે તેવી માંગ છે.
આ 10 વિઘા જમીન છે જેની કરોડોમાં કિંમત છે. અમારી મેટર ચાલુ હોવા છતાં શાંતાબેન મનજીભાઈ પરમારના નામની નોંધ પાડી સાગર આંબારામભાઈ ફૂલતરીયાના નામે દસ્તાવેજ કરી આપવામાં આવ્યો છે. જવાબદાર સરકારી અધિકારી અને કર્મચારી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
જવાબદાર તમામ વિરૂદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપતા કલેકટર
જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ આ મામલે જણાવ્યું કે જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. જેને ખોટા કાગળ કરી નિયમોનો ભંગ કર્યો છે. જેને ખોટું કર્યું છે તે કોઈ પણ હોય ગામના અગ્રણી હોય કે સરકારી અધિકારી કે કર્મચારી હોય વહીવટી તંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહિ. કોઈ પણ ચમરબંધી હોય હું ખાતરી આપું છું જમીનને ઉની આચ નહિ આવે. અમે કડક પગલા ભરી ચુક્યા છીએ. જે રહી ગયું હશે એને પણ શક્ય તેટલી વધુ સજા કરાવવા માટે જરૂર પડ્યે સરકારની પણ મદદ લેશું. ફરિયાદ ખોટી લીધા મામલે કલેકટરે જણાવ્યું કે એસપીને રૂબરૂ બોલાવી જે સત્ય છે તે કરવા માટે આદેશ આપવામાં આવશે.