મનપાએ દબાણ હટાવ કામગીરીમાં વેપારીઓનો માલ સામાન કબ્જે કરી લેતા ઉશ્કેરાયેલા વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું
મોરબી : મોરબીમાં આજે મુખ્ય બજાર વિસ્તારોમા મોટાપાયે દબાણ હટાવ કામગીરી દરમિયાન મનપા અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મનપાએ દુકાનો બહાર રહેલો સમાન ટ્રાફિકને નડતરરૂપ જણાવી એ માલ સમાન જપ્ત કરતા વેપારીઓ રોષે ભરાયા હતા. આ મુદ્દે મનપા અને વેપારીઓ સામસામે આવી જતા મામલો ગરમાયો હતો અને રોષે ભરાયેલા વેપારીઓએ મનપાની કામગીરી સામે વિરોધ નોંધાવી ચક્કાજામ કરી દીધો હતો. આથી મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામ સર્જાતા વગર વાંકે મોટી સંખ્યામાં વાહનચાલકો ખાસ્સો સમય સુધી હેરાન થયા હતા.
મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે સવારથી જ શહેરના ભરચક ગણાતા એવા ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન રોડ, સુભાષ રોડ અને તખ્તસિંહજી રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાના કાફલાએ જેસીબી અને ટ્રેક્ટરો સાથે રાખીને વેપારીઓએ દુકાન બહાર રસ્તા પર રાખેલા સામાન, કેબિન, લારી-ગલ્લા અને અન્ય સામાન હટાવવાની તજવીજ હાથ ધરી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વેપારીઓનો સામાન જપ્ત કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા પૂર્વ સૂચના આપ્યા વગર અથવા પૂરતો સમય આપ્યા વગર સીધી જ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકાની આ કાર્યવાહીના વિરોધમાં તખ્તસિંહજી રોડના વેપારીઓએ એકજૂથ થઈને પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા. આટલું જ નહીં, રોષે ભરાયેલા વેપારીઓએ રસ્તા પર ઉતરી આવી 'ચક્કાજામ' કર્યો હતો.
વેપારીઓના વિરોધ પ્રદર્શનને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો પણ કલાકો સુધી અટવાયા હતા. વેપારીઓએ કહ્યું હતું કે, "અમે નિયમોનું પાલન કરવા તૈયાર છીએ, પરંતુ અમારો સામાન જપ્ત કરીને આજીવિકા પર તરાપ મારવો તે યોગ્ય નથી." બીજી તરફ મનપાએ ટ્રાફિક સમસ્યાના હલ માટે દબાણો હટાવવાની કામગીરી જરૂરી હોવાનો બચાવ કર્યો હતો.