નેચરલ ગેસમાં ઘટાડાથી સિરામિક ઉદ્યોગને દરરોજનો અંદાજે 75 લાખનો ફાયદો થવાની સંભાવના
મોરબી : પ્રવર્તમાન સમયમાં મંદીના માહોલમાં મોરબીના સિરામિક ઉદ્યોગને સરકારે રાહત આપી છે. જેમાં સરકારે સિરામિક ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂ.3.25નો ઘટાડો જાહેર કરતા સરકારના આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને દરરોજ અંદાજે રૂ.75 લાખનો ફાયદો થવાની સંભાવના છે.
સીરામીક ઉદ્યોગકારોએ મંદીના સમયમાં આ ઉધોગને ટકી રહેવા માટે નેચરલ ગેસના ભાવોમાં રાહત આપવાની રાજ્ય સરકારને રજુઆત કરી હતી. આથી સરકાર દ્વારા આ રજુઆત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને આજે નેચરલ ગેસના ભાવમાં 1 ઓગસ્ટથી રૂ.3.25નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. હાલ સિરામિક એકમોમાં દરરોજ સરેરાશ 25 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ થાય છે. તેવામાં આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને અંદાજે રૂ.75થી 80 લાખ જેટલો ફાયદો થશે. આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે હાલ સિરામિકમાં મંદીનો માહોલ છે. તેથી સરકાર સમક્ષ સીરામીક ઉધોગોમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ઘટાડાની માંગણી મુકવામાં આવી હતી. જેને ધ્યાને લઇ સરકારે ગેસમાં ભાવ ધટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેથી સિરામિક ઉદ્યોગને હવે રાહત મળશે.