Thursday - Apr 16, 2026

મોરબીમાં બુઝુર્ગે જીવનપર્યંત "રામ નામ" ભજી પુત્રોને આધ્યાત્મિકતા જ જીવનની સાચી મૂડી હોવાનો સંદેશ આપ્યો

મોરબીમાં બુઝુર્ગે જીવનપર્યંત

જીવનભર મજૂરી કરવાની સાથે ફુરસદ મળે ત્યારે રામ નામ લખતા રહ્યા, મૃત્યુ પછી કરોડો રામ નામ લખેલી અંસંખ્ય બુકો મળી

ભાસ્કર ન્યુઝ મોરબી : કહેવાય છે કે, જીવનભર અંતર મનથી રામ નામ ભજવાથી જીવનનો બેડો પાર થઈ જાય છે.આવી જ રીતે મોરબીના એક બુઝુર્ગ જીવનપર્યંત  અંતરના ઉંડાણથી રામ નામ ભજી પરમ આધ્યાત્મિકતા મેળવીને હસીખુશીથી સ્વર્ગે સીધાવ્યા છે. મોરબીના મૂળ નાની વાવડી ગામના વતની અને હાલ ભડિયાદ રોડ પાસે આવેલા જંગ્લેશ્વર વિસ્તારમાં રહેતા હમીરભાઈ ખીમભાઈ મકવાણા નામના 90 વર્ષના બુઝુર્ગનું અવસાન થયું હતું. તેમની અંતિમવિધિ બાદ તેમના પુત્રોને પિતાનો એક અદભુત ખજાનો મળી આવ્યો હતો. આ ખજાનો એટલું બીજું કંઈ નહીં અસંખ્ય નોટબુકો મળી હતી. જેમાં કરોડો અબજો વખત પિતાના હસ્તે લખાયેલા ભગવાન શ્રી રામના મંત્રોજાપ જોવા મળ્યા હતા. દિવંગત પિતા ભગવાન રામના પરમ ઉપાસક હોવાનો ખબર પડતાં પુત્રોની આંખો ભીની થઇ ગઇ હતી.

હમીરભાઈ મકવાણાને સંતાનમાં પ્રેમજીભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ એમ ત્રણ પુત્રો છે. તેઓ ઓછું ભણેલા હતા. એટલે શરૂઆતથી મજૂરી કામ જ કરતા, વર્ષો સુધી નળીયાના કારખાનામાં કઠિન મજૂરી કામ કરી ત્રણ પુત્રોને ભણાવી ગણાવી સારા સંસ્કારો સાથે ઉછેરીને ત્રણેય પુત્રોનો ઘરસંસાર વસાવી દીધો હતો. પુત્રો કમાતા થયા એટલે પિતાને મજૂરી કામ છોડી દેવા માટે ઘણી આજીજી કરી હતી. પણ પિતા સ્વમાની અને કર્મયોગી હોવાથી એટલે આમ તો જીવનભર કામ કરતા રહ્યા એમ કહી શકાય. છેલ્લે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પણ મોટી ઉંમર થતા પુત્રોએ છેલ્લા અઢી વર્ષથી કામ મુકાવી દીધું હતું. મોટાભાગે તેઓ ઓછું બોલતા અને ભગવાન રામની ભક્તિ કરતા રહ્યા. જેમાં અગાઉ મજૂરી કામમાંથી ફુરસદ મળે ત્યારે બુકોમાં ખરા દિલથી ભગવાન રામની ભક્તિની એવી લગની લાગી હતી કે બસ તેઓ કાગળ પર ભક્તિભાવથી જ રામ, રામ જ લખતા જ ગયા અને છેલ્લા અઢી વર્ષથી ઘરે હોવાથી રામની ભક્તિમાં એટલા ડૂબી ગયા કે રામ નામનો મહાસાગર ક્યારે લખાય ગયો એનું એમને ખુદને ભાન ન રહ્યું. આ રીતે જીવનભર કરોડો વખત રામ નામ લખી પરમ અધ્યત્મિકતા મેળવી માનવ જીવનનું ખરું સત્ય શુ છે એનો સંદેશ આપતા ગયા છે.

જીવનની સાચી અને અણમોલ મૂડી મુકતા ગયા

પુત્ર અશ્વિનભાઈ મકવાણા કહે છે કે, પિતા રામનું નામ લખતા એવો થોડોક અંદાજ હતો. પણ ભગવાન રામ પ્રત્યે એમની આટલી શ્રદ્ધા અને ભક્તિ હતી એ હવે ખબર પડી. જો કે ઘણા પુત્રોને પિતા પાસે ઘન દોલતની અપેક્ષા હોય છે. કે પિતાના મૃત્યુ પછી તેઓ કેટલી મિલકત મુક્તા ગયા એના પર નજર હોય છે. પણ અમારી આવી કોઈ અપેક્ષા નથી. જો કે અમે ધનવાન નથી. પણ પિતા જે રામ નામનો "ગ્રંથ" મુકતા ગયા એજ અમારા માટે અણમોલ સંપત્તિ છે. પિતાની જેમ જ જીવનભર રામનામ ભજતાં રહીશું તો અમારા જીવનનો પણ બેડો પાર થઈ જશે એવો પિતાના જીવન પરથી બોધપાઠ મળ્યો છે.