હળવદ તાલુકાના ટીકર ગામે ઘર પાસે પાણીની લાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું હોય બાઈક ચાલકને અહીંથી બાઈક ન ચલાવવાનું કહેતા બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા છરી, લાકડી વડે મારામારી થતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે.
હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અકબરભાઈ ઉર્ફે હકાભાઈ હાસમભાઈ ભટ્ટીએ આરોપી લાલમામદ કાસમભાઈ રાજા, રસુલ કાસમભાઈ રાજા, રમઝાન દાદમામદભાઈ તેમજ મુસ્તાક લાલમામદભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9ના રોજ તેમના ઘર પાસે પાણીની લાઇન નાખવા ખોદકામ થયું હોય આરોપી લાલમામદભાઈનો પુત્ર બાઈક લઈને નીકળતા અહીંથી બાઈક નહિ પસાર કરવાનું કહેતા બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં આરોપીઓએ સાહેદ શબીરભાઈ તેમજ રમઝનભાઈને છરી મારી ફરિયાદીને લાકડી વડે માર મારતા ચારેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.