Thursday - Jul 02, 2026

"મારે પિતા તરીકે જીવતેજીવ કાળજાના કટકા સમાન પુત્રને કાંધ દેવો પડ્યો, ત્યારે મારા પર કેવી વીતી હશે ?"

મોરબીમાં યુવાન પુત્રને ત્રાસ આપી મરવા મજબુર કરનાર ત્રણ શખ્સોને કડકમાં કડક સજા આપવા માગણી સાથે પિતાએ ગૃહમંત્રીને કરેલી રજુઆતમાં દર્દનાક મનોસ્થિતિ વર્ણવી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ હનુમાનજી એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજી મનજીભાઈ વિડજાએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજુઆત કરી હતી કે, મારા યુવાન પુત્ર વિપુલ ભગવાનજી વિડજાએ ગત તા.14.12. 2025ના રોજ આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વ મારા પુત્રએ લખેલી સ્યુસાઇડ નોટમાં મારા પુત્રએ એસપીને સોબીધીને ત્રણ આરોપીઓ આશિષ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવ દસડીયા, કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ આરોપીઓ કેટલી હદે અનહદ ત્રાસ આપ્યો જશે કે મારા પુત્રને જાતે જ આત્મઘાતી પગલું ભરવું પડ્યું હશે એની પુત્રની મનોવ્યથા વિચારીને મારા મનમાં કંપારી છૂટી જાય છે.

સ્યુસાઇડ નોટના આધારે મારા પુત્રના બનેવી એટલે મારા જમાઈએ જે તે સમયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મિત્ર એવા આશિષ પાડલીયાએ મને કહ્યું હતું કે, મારે સોલારનો ધંધો કરવો હોય એના માટે તું રૂપિયા આપ, ત્યારે ફરિયાદી એવા મારા જમાઈએ મિત્રના નાતે ભરોસો મૂકી હાથ ઉછીના પહેલા 7.50 લાખ અને બાદમાં 31.50 લાખ અને બાદમાં ફરી આશિષએ હું તમને મારા ધંધામાં ભાગીદાર બનવાનું કહી હજુ મને થોડા પૈસા આપવાનું કહેતા જમાઈએ કટકે કટકે ઓનલાઈન મળીને કુલ રૂ.1.26 કરોડ આપ્યા હતા. જેને એક વર્ષ જેવો સમય થઈ જવા છતાં પૈસા પરત ન આપતા તેમના જમાઈએ તેના મિત્ર આશિષ પાસેથી અવારનવાર પૈસા માંગ્યા હતા. પણ તે જુદાજુદા બહાના કાઢી ઉઠા ભણાવીને પૈસા આપતો ન હતો. તેથી ફરિયાદીએ તેમના સાળા એટલે મારા પુત્ર વિપુલને કહ્યું હતું કે, તેઓએ આશિષને 1.26 કરોડ અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને પણ છ લાખ આપ્યા હોય પણ આ બન્ને રૂપિયા પરત આપતા નથી. આથી વિપુલે એ બન્ને પાસે રૂપિયાની ઉઘરાણી કરતા આશીષએ મેં તારી પાસે પૈસા લીધા ન હોય તું ક્યાંય વચ્ચે આવતો નહિ. આથી સાળા બનેવીએ ફરી આરોપીઓ પાસે તેમના હક્કના પૈસા માંગતા તેણે હવે તમારા પૈસા ભૂલી જજો, નહિતર તમારે જીવ ગુમાવવો પડશે અને વ્યાજના ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને એટલી હદે ત્રાસ આપ્યો કે મારા પુત્રને રિબાઈ રિબાઈને પોતાની જાતને ખતમ કરવી પડી હતી. એ આપઘાત કરતા પહેલા મારા પુત્રની માનસિક હાલત કેવી દર્દનાક હશે ? પુત્રએ આપઘાત કર્યા બાદ મારી તથા મારા પરિવારની કેવી મનોદશા થઈ એ પરિસ્થિતિ તો જેના પર વીતી હોય એ જ જાણે. મારા પુત્રની અણધારી વિદાયનો આઘાત ક્યારેય જીરવી નહિ શકાય. એની ખોટ પણ ક્યારેય નહીં પુરાઈ. પણ સમાજમાં આવા કેટલાક વિશ્વાસધાતીઓ હોય જે અણીના સમયે કરેલી મદદ ભૂલી જાય અને પછી ખોરા ટોપરા જેવી દાનત દેખાડી નિર્દોષનું જીવતર ઝેર કરી નાખતા હોય મારા પુત્રની જેમ બીજા કોઈ પણ આવા પગલાં ન ભરે એ માટે આ ત્રણેય આરોપીઓ સામે કડકમાં કડક એટલે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.