Thursday - Apr 16, 2026

જળભંડારો અખૂટ હોવા છતાં પાણીની હૈયાહોળી

જળભંડારો અખૂટ હોવા છતાં પાણીની હૈયાહોળી

મોરબીમાં પાણીની કુત્રિમ અછતથી લોકોનો નગરપાલિકામાં હોબાળો

10 દિવસથી પાણી ન આવતું હોવાની ઉગ્ર રજુઆત કરાઈ

મોરબી : મોરબીમાં 2025નું આખું વર્ષ ચાલે તેટલું પાણી આ વખતે મેઘરાજાએ જળાશયોમાં ઠાલવી દીધું છે. ખાસ તો મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમ જન્માષ્ટમીમાં જ ઓવરફ્લો થયો હોય બાદમાં આગામી દિવાળી નજીક આવતી હોય ત્યારે પણ મેઘરાજાએ આસોમાં અષાઢી માહોલ સર્જી દીધો એમ નોન સ્ટોપ વરસાદ ચાલુ રહેતા મચ્છુ 2 ડેમમાંથી હજુ પણ પાણી છોડાતું હોવાની વચ્ચે પાણીની કુત્રિમ અછત ઉભી થઇ છે. જેમાં મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાસે આવેલી નીલકંઠ સોસાયટીની મહિલાઓ અને પુરૂષોનું ટોળું રોજે રોજની પાણીની હાડમારીથી કંટાળીને રજુઆત કરવા આજે મોરબી નગરપાલિકાએ દોડી ગયું હતું અને નગરપાલિકા સમક્ષ દસ દિવસથી પાણી ન આવતું હોવાની હૈયા હોળી દર્શાવી હતી. લોકોએ રજુઆત કરતા કહ્યું હતું કે, પાણી ડેમમાં ભરપુર હોવા છતાં કોના પાપે અમે તરસ્યા રહીએ છીએ ? જાણી જોઈને પાણી આપતું ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.છ વર્ષથી અસ્તિત્વમાં આવેલી આ સોસાયટીના પૂરેપૂરા વેરા ભરવા છતાં પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા અપાતી નથી. નગરપાલિકા વેરો લઈને કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ અનેક રજુઆત કરવા છતાં પાણી, લાઈટ, સફાઈના પ્રશ્નો ઠેરઠેરના રહેતા આજે નગરપાલિકાએ મોરચો માંડવો પડ્યો છે.નગરપાલિકા દ્વારા જે તે વખતે ભૂતિયા નળ કનેક્શનો ચેક કરીને ગેરકાયદે ન હોય તેવા પણ કનેકશનો પણ કાપી નાખ્યા હતા. આથી સ્થાનિકોએ રજુઆત કરી છતાં દાદ ન દેતા સ્થાનિક લોકોએ સ્વખર્ચે કનેકશનો લઈ લીધા હતા. પણ હવે પ્રેશરથી પાણી છોડાતું જ નથી. જેના કારણે લોકો પાણીથી વંચિત રહી જાય છે. આથી નગરપાલિકાના ચીફ ઓફિસરે આ પાણી પ્રશ્ન હાલ તુરંત હલ કરવાની ખાતરી આપતા હાલના તબક્કે મામલો થાળે પડ્યો હતો.

જળભંડારો અખૂટ હોવા છતાં પાણીની હૈયાહોળી